ધ્રોલ તાલુકાના લતીપર અને ગોકુલપુર ગામની વચ્ચે ગત મોડીરાત્રીના પસાર થતા કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર પલ્ટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે ત્રણ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
ગમખ્વાર અરેરાટીજનક બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લતીપર અને ગોકુલપર ગામની વચ્ચેના માર્ગ પરથી ગત મોડીરાત્રીના પસાર થતી જીજે-36-એસી-4957 નંબરની કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર પલ્ટી ખાઈ જતાં કારનો બુકડો બોલી ગયો હતો. કારનો બુકડો બોલી જતાં કારમાં સવાર રીસીભાઈ મુકેશભાઈ ચભાડિયા (રહે. લતીપર) (તા. ધ્રોલ), ધર્મેન્દ્રસિંહ રામદેવસિંહ ઝાલા (રહે. જામનગર) અને વિવેકભાઈ દિનેશભાઈ પરમાર (રહે. જામનગર) નામના ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા ત્રણેયના મોત નિપજ્યા હતાં. મૃતકો અને ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢવા માટે પતરા ચીરવા પડયા હતાં કેમ કે અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો.
જ્યારે અન્ય બે વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ગમખ્વાર અકસ્માતમાં એક સાથે ત્રણ ત્રણ યુવાનોના મોત નિપજતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવની જાણ થતા ધ્રોલ પીઆઈ એચ.વી. રાઠોડ તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ ત્રણેય મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરતા કારમાં સવાર પાંચ યુવાનો લતીપર ગામમાં લગ્નપ્રસંગે દાંડિયારાસમાં આવ્યા હતાં. જ્યાં દાંડિયારાસ પૂર્ણ થયા બાદ પાંચ મિત્રો નાસતો કરવા ગયા હતાં અને ત્યાંથી પરત ફરતા સમયે ગોકુલપુર નજીક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ મિત્રોના મોત નિપજતા શોકનું મોજુંફરી વળ્યું હતું. પોલીસે મૃતકોના પરિવારજનોને જાણ કરી મૃતદેહોને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.