જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતી આઠ વર્ષની માસુમ બાળકી સાથે તેના જ કૌટુંબિક મામાએ શારીરિક અડપલા કર્યા બાદ બાળકીનું માથુ દિવાલમાં પછાડી હત્યા નિપજાવ્યાની ઘટનાથી અરેરાટી ફેલાઈ ગઇ છે. પોલીસે હત્યાના બનાવમાં તપાસ આરંભી હત્યારાની ધરપકડ કરી હતી.
હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં કૌટુંબિક મોટાબાપુના ઘરે છૂટાછેડા લીધેલી મહિલા ત્રણ પુત્રીઓ સાથે રહેવા આવી હતી. દરમિયાન મહિલાની આઠ વર્ષની બાળકીને તેનો જ કૌટુંબિક મામો હેરાન પરેશાન કરતો હતો તથા અવાર-નવાર મારકૂટ કરી શારીરિક અડપલા પણ કરતો હતો. આ અંગે બાળકીએ માતાને ફરિયાદ કરતા મહિલાએ તેના કૌટુંબિકને ઠપકો આપ્યો હતો. જેથી તેની માતા અને પુત્રી બંનેને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ ત્રણ દિવસ પહેલાં બાળકીની માતા ખરીદી કરવા ગઈ હતી. ત્યારે પાછળથી આઠ વર્ષની બાળકીને કૌટુંબિક મામા નીતિને શારીરિક અડપલા કર્યા બાદ માર મારી દિવાલ સાથે તથા જમીનમાં માથુ પછાડી ગંભીર ઈજા પહોંચાડી બેશુધ્ધ કરી દીધી હતી ત્યારબાદ પરત ફરેલી માતા ઘરે આવ્યા બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં બાળકીનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
બાળકીની હત્યાના બનાવ બાદ માતાની ફરિયાદના આધારે સીક્કા પોલીસે મૃતકના કૌટુંબિક મામા સામે હત્યા તેમજ પોકસો હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ નીતિન ડોસાજી માણેક નામના હત્યારાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.