દેવભૂમિ દ્વારકાના ઓખામંડળ પંથકના યાત્રાધામ સહિતના મહત્વપૂર્ણ જગ્યાઓમાં આવતીકાલથી તંત્ર દ્વારા મેગા ડીમોલીશન હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા યાત્રાધામ દ્વારકાના આવળપરા વિસ્તાર, રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેટ દ્વારકામાં ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવા તડામાર તૈયારી સાથે જોરદાર ગતિવિધિ ચાલી રહી છે.
આ મેગા ડીમોલીશનની કામગીરી રાજ્ય સરકારના આદેશાનુસાર વહીવટી તંત્રના જિલ્લા કલેકટર કચેરી, નગરપાલીકા, પીજીવીસીએલ તથા પોલીસ વિભાગ વચ્ચે સંકલન સાધી સંયુકત રીતે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાયેલ છે જે અંગે આજે બપોરે ઉચ્ચ અધિકારી ગણની મીટીંગ પણ યોજાઈ ગયેલ છે. દબાણકર્તાઓને કાનૂની જોગવાઈ અનુસાર નિયત સમય મર્યાદામાં દબાણો હટાવી લેવા નોટીસો અપાયાની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોય, જે માટે આવતીકાલે સવારથી આ મેગા ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
દરીયાઈ સીમાથી ઘુસણખોરી અને દેશની સુરક્ષાના મુદ્દાને ધ્યાને લઈ આ વિસ્તારમાંથી તમામ ગેરકાયદે દબાણો હટાવવા તંત્રએ કમર કસી છે. અને આવતીકાલે બેટ દ્વારકા તેમજ રૂપેણ બંદરના વિસ્તારો તેમજ દ્વારકાના આવળપરા વિસ્તારમાં દબાણો દૂર કરવા માટેની કામગીરી ચુસ્ત સુરક્ષા અને પોલીસ બંદોબસ્ત સાથે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવનાર છે.
બુલડોઝર સહિત યાંત્રીક સાધનો સાથે ટીમો સજ્જ
આવતીકાલે હાથ ધરાનાર આ મેગા સંભવિત ડીમોલીશન માટે બેટ દ્વારકા સહિત તમામ સ્થળોમાં કામગીરી હેતુ જેસીબી, બુલડોઝર, ટ્રેકટર વિગેરે યાંત્રીક સામગ્રીઓને સજ્જ કરી દેવાઈ છે. આ ઉપરાંત સમગ્ર કામગીરી કરવા માટે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત એક હજાર જેટલા પોલીસ સ્ટાફનો કાફલો પણ તૈનાત કરી દેવાયો છે. આ મેગા ડીમોલીશનની કામગીરી તમામ સબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ કરવામાં પાર પાડવાનો તખ્તો ઘડાઈ ગયો છે અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટેની સંપૂર્ણ તકેદારી સાથે ફૂલપ્રૂફ પ્લાન સાથે ઓપરેશન પૂર્ણ કરવાની તૈયારી કરી લેવાય હોવાનું જાણવા મળેલ છે.
બેટ દ્વારકામાં પુનઃ થયેલા દબાણો પણ હટાવાશે
બેટ દ્વારકામાં આશરે એકાદ વર્ષ પૂર્વે તંત્ર દ્વારા મેગા ડિમોલીશન કરાયા બાદ ત્યાં પુનઃ દબાણો થઈ ગયા હોય, જે પણ તંત્રને ધ્યાને આવેલ હોય આવા પુનઃ થયેલા દબાણોને પણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવનાર છે. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ગેરકાયદે બનેલા કાચા-પાકા મકાનો તથા કોમર્શીયલ બાંધકામોને પણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.