જામનગર શહેરમાં ખેતીવાડી વિસ્તારમાં રહેતી મહિલાના ઘરમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી રુમમાં રહેલા પતરા તથા દરવાજા તોડી મકાનની પેટાપારી અને સંડાશ-બાથરુમના પતરા તોડી 1 લાખનું નુકસાન કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરના ખેતીવાડી સામે આવેલા સિધ્ધાર્થનગર શેરી નં. 4માં આવેલા રામીબેન ધનજીભાઇ પરમાર નામના મહિલાના બંધ મકાનમાં તા. 7ના રોજ રાત્રીના 12 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધીના અરસામાં અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને તસ્કરોએ મકાનના રુમમાં આવેલા પતરા તથા દરવાજો તોડી નાખ્યો હતો. તેમજ બીજા છતવાળા મકાનની પેટા પારી અને ફરીયામાં આવેલા સંડાસ-બાથરુમના પતરા તેમજ ફળીયાની દિવાલમાં તોડફોડ કરી નાખી હતી. અજાણ્યા તસ્કરો દ્વારા આશરે 1 લાખનું નુકસાન કર્યાની જાણ મહિલા દ્વારા કરવામાં આવતાં પીએસઆઇ એન.એમ. ઝાલા તથા સ્ટાફે અજાણ્યા તસ્કરો વિરુધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.