ધ્રોલ નજીક લતીપુર રોડ ઉપર મોરબી તરફથી આવી રહેલી ચાલુ કારમાં એકાએક આગ લાગતાં કારમાં સવાર મોરબીના દંપતિ સહિત નાની બાળકી સહિત ત્રણેય સમય સુચકતા વાપરી બહાર નિકળી જતાં ત્રણેયનો આબાદ બચાવ થયો હતો અને કાર સળગી જતાં ધ્રોલની ફાયર ટીમે સ્થળ પર પહોંચી જઇ આગને કાબુમાં લીધી હતી.
બનાવની વિગત મુજબ ધ્રોલ નજીક લતીપુર રોડ પર મોરબીથી જામનગર તરફ આવી રહેલી જીજે-36 એસી-4580 નંબરની ચાલુ કારમાં એકાએક આગ લાગતાં સવાર દંપતિ અવાચક થઇ ગયું હતું અને કારમાં સવાર રવિકુમારે કારમાંથી ધુમાડા નિકળતાં કાર રોકી દીધી હતી. ત્યારબાદ કારનો દરવાજો લોક થઇ જતાં રવિકુમારે બહાર નિકળી તેની પત્નિ રવિનાબેનને પણ બહાર કાઢ્યા હતાં ત્યારબાદ પાછળની સીટમાં બેસેલી પુત્રીને પણ સમયસૂચકતા વાપરીને સલામત રીતે બહાર કાઢી હતી. ત્યારબાદ આગ ફેલાઇ જતાં કાર આગમાં સંપૂર્ણ સળગી ગઇ હતી. બનાવની જાણ થતાં ધ્રોલ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને આગને કાબુમાં લીધી હતી. જો કે, તે પહેલા કાર સળગી ગઇ હતી. વધુમાં મળતી વિગત મુજબ મોરબીનું દંપતિ કાર જામનગરના શો-રૂમમાં સર્વિસ માટે મુકવા આવતાં હતાં તે દરમિયાન આગની ઘટના બની હતી. બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી.