જામનગર તથા દેવભુમિ દ્વારકા જિલ્લામાંથી પીજીવીસીએલ દ્વારા ગઈકાલે વધુ રૂ.36.25 લાખની વીજચોરી ઝડપી લીધી હતી. છેલ્લાં પાંચેક દિવસથી પીજીવીસીએલ દ્વારા વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં પાંચેક દિવસમાંબે કરોડ જેટલી વીજચોરી ઝડપાઈ છે.
પીજીવીસીએલ દ્વારા છેલ્લાં પાંચેક દિવસથી જામનગર સહિત હાલાર પંથકમાં વીજચોરો વિરૂધ્ધ તવાઈ બોલાવાઇ છે. વીજચોરીના દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા કડક વીજચેકિંગ હાથ ધરાયું છે. જે અંતર્ગત ગઈકાલે જામનગર શહેરના નાગનાથ ગેઈટ, મેઘવારવાસ, બેડી ગેઇટ, નાગેશ્ર્વર, સુભાષબ્રિજ સહિતના જામનગર શહેરના વિસ્તારો ઉપરાંત કાલાવડ તાલુકાના જામવાડી, રીનારી, મુરીલા, ખીજડિયા, સરવાણિયા, સણોસરા સહિતના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ તાલુકાના શિવરાજપુર, દ્વારકા, પાડલી, વરવાળા, સામળસાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પીજીવીસીએલની 44 જેટલી ટુકડીઓ દ્વારા 21 લોકલ પોલીસ તથા 17 એસઆરપી જવાનોના સુરક્ષા બંદોબસ્ત સાથે હાલાર પંથકમાંથી 537 વીજજોડાણોમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. જે પૈકી 88 વીજ જોડાણોમાંથી ગેરરીતિ ઝડપાઇ હતી અને ૂા.36.25 લાખના પૂરવણી બીલો ફટકારવામાં આવ્યા હતાં. પીજીવીસીએલ દ્વારા ગત તા.31 ડિસેમ્બરના રોજ 23.10 લાખ, 1 જાન્યુઆરીના 25.65 લાખ, તા.2 જાન્યુઆરીના 56.25 લાખ, તા.3 જાન્યુઆરીના 57.57 લાખ તથા તા.4 જાન્યુઆરીના 36.25 લાખ સહિત છેલ્લાં પાંચ દિવસમાં 1 કરોડ 98 લાખ થી વધુની વીજચોરી ઝડપી લેવામાં આવી છે.