જામનગર શહેર તેમજ ધ્રોલ સહિતના વિસ્તારોમાંથી પીજીવીસીએલની ટીમ દ્વારા બીજા દિવસે 25.65 લાખની વીજચોરી ઝડપી લીધી હતી. બે દિવસમાં 48 લાખથી વધુની વીજ ચોરી પીજીવીસીએલે ઝડપી લીધી હતી.
2024 ના અંતિમ દિવસોમાં પીજીવીસીએલ દ્વારા વીજચોરીના દૂષણને ડામવા માટે વીજ ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. જેમાં મંગળવારે હાથ ધરાયેલા વીજ ચેકિંગમાં પીજીવીસીએલની 26 જેટલી ટીમો દ્વારા 9 લોકલ પોલીસ તથા 14 એસઆરપી સહિતના બંદોબસ્ત સાથે જામનગર શહેરના સુભાષપરા, ગણેશવાસ, દિ.પ્લોટ સહિતના વિસ્તારો જામનગર તાલુકાના નાઘેડી, ગોકુલનગર, સરમત સહિતના ગ્રામ્ય વિસ્તારો તેમજ ધ્રોલ તાલુકાના બારાડી, વાવડી, બેરાજા, નેસડા, ગઢડા, ખેંગારકા, સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. આ ચેકિંગમાં 301 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતાં જે પૈકી 48 વીજ જોડાણમાં ગેરરીતિ ઝડપાતા રૂા.25.65 લાખના પુરવણી બિલ ફટકારવામાં આવ્યા હતાં આમ 2024 ના વર્ષના અંતિમ બે દિવસોમાં પીજીવીસીએલ દ્વારા 48 લાખથી વધુની વીજ ચોરી ઝડપી લીધી હતી.


