જામનગરમાં શિયાળાની સવારે ઠંડીના ચમકારા વચ્ચે નેવી દ્વારા હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હાફ મેરેથોનમાં આશરે 2500 જેટલા દોડવીરોએ ભાગ લીધો હતો. આ તકે કોમોડોર એ. પુરનકુમાર અને સાંસદ પૂનમબેન માડમ અને કમિશનર ડી.એન. મોદી સહિતના અગ્રણીઓએ ફલેગ ઓફ આપી શરુઆત કરાવી હતી.
નેવી વિકની ઉજવણી અંતર્ગત કાન્ડિંગ ઓફિસર-આઇએનએસ વાલસુરા કોમોડોર એ. પુરનકુમારની મુખ્ય ઉપસ્થિતિમાં વહેલી સવારે પાંચ વાગ્યાથી ઝુંબા વોર્મઅપ કરાવ્યા બાદ 21 કિ.મી., 10 કિ.મી. અને 5 કિ.મી.ની દોડ માટે એ. પુરનકુમાર, સાંસદ પૂનમબેન માડમ અને મ્યુ. કમિશનર ડી.એન. મોદી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફલેગ ઓફ અપાયું હતું.
આ તકે આઇએનએસ વાલસુરાના નેવી પોલીસ, સ્થાનિક પોલીસ દ્વારા દોડવીરોની ટ્રાફિક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં રણમલ તળાવથી વાલસુરા રોડ સુધી રિટર્ન 21 કિ.મી.ની હાફ મેરેથોનમાં 18થી 39 વર્ષ મહિલાઓમાં જોગડીયા નિમાવતી, 40 વર્ષની ઉપરમાં ઉર્મિલા લાલ 18થી 39 ભાઇઓમાં વિકાસ સિંહમાર 40થી ઉપરમાં રાકેશ રાવત પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તેમજ 10 કિ.મી.માં 16 થી 39માં માનવીબેન 40 ઉપરમાં પિનકી ઝા, 16થી 39 ભાઇઓમાં વિષ્ણુ કે.કે. 40 ઉપરમાં લેફટનન્ટ કર્નલ શ્યામસુંદર પ્રથમ ક્રમાંકે આવ્યા હતાં. આ ઉપરાંત ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સર્ટિફીકેટ અપાયા હતાં. આ ત્રણ ઇવેન્ટમાં આશરે 2500 જેટલા દોડવીરોએ ભાગ લીધો હતો. આ તકે ચીફ ફાયર ઓફિસર કે.કે. બિસ્નોઇ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.