રાજકોટમાં સરકારી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીએ પાંચ માસ પહેલાં કવાર્ટરની અરજી બાદ કવાર્ટર ફાળવવામાં નહીં આવતા જલ્દી કવાર્ટર ઉપલબ્ધ થાય તેના પ્રમાણપત્ર પેટે સિનીયર કલાર્કને જામનગર એસીબીએ લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર સહિત સમગ્ર દેશભરમાં ભ્રષ્ટાચારે અજગરી ભરડો લઈ લીધો છે. કોઇ પણ સરકારી કચેરીમાં લાંચ આપ્યા વગર કામ થતા જ નથી અને લાંચ-રૂશ્વત વિરોધી શાખા દ્વારા ભ્રષ્ટાચાર ઘટાડવા માટે લાંચિયા અધિકારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેમ છતાં સરકારી બાબુઓ લાંચ લેવામાં પીછેહઠ કરતા નથી અને કોઇપણ જાતનો ડર અનુભવતા નથી. હાલમાં જ જામનગરન એસીબી દ્વારા ત્રણ દિવસ પહેલાં મહાનગરપાલિકાના એસએસઆઇ સહિતના બે કર્મચારીઓને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતાં. આ ઘટનાના ત્રણ દિવસ બાદ જ રાકોટમાં કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગમાં વર્ગ-3 માં સિનીયર કલાર્ક તરીકે ફરજ બજાવતા રવિ રાજુ મજેઠીયા નામના કર્મચારીને રાજકોટની કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં પાંચ હજારની લાંચ લેતા જામનગર એસીબી પીઆઇ આર એન વિરણી તથા સટાફે ડપી લીધો હતો.
વધુમાં મળતી વિગત મુજબ, રાજકોટમાં સરકારી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીએ પાંચ માસ પહેલાં સરકારી કવાર્ટર મેળવવા માટે અરજી કરી હતી. પરંતુ પાંચ માસ થયા છતાં સરકારી કવાર્ટર ફાળવવામાં આવ્યું ન હતું. સરકારી કર્મચારીને ધારાધોરણ મુજબ મકાનભાડુ મેળવવા માટે રાજકોટ ખાતે સરકારી કવાર્ટર ઉપલબ્ધ નથી તેવું પ્રમાણપત્ર કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગથી મેળવવાનું હોય. જેથી કર્મચારીએ વર્ગ-3 ના સીનીયર કલાર્ક રવિ રાજુ મજેઠીયાનો સંપર્ક કરતા રવિએ પ્રમાણપત્ર આપવા પેટે રૂા. 5000 ની લાંચની માંગણી કરી હતી. જે અંગે સરકારી કર્મચારીએ લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરી હતી. જેના આધારે ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબી પીઆઈ આર.એન. વિરાણી તથા સ્ટાફે છટકુ ગોઠવી શુક્રવારે કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગની કચેરીમાંથી રવિ મજીઠીયાની રૂા.5000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લઇ તેના વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.