દેવભુમિ દ્વારકા જિલ્લામાં સરકારી જન્મના રેકર્ડ સાથે ચેડા કરી યુકેના પોર્ટુગીઝના વીઝા મેળવવા માટે બનાવટી ભારતીય પાસપોર્ટના આધારે આચરેલા કૌભાંડનો દ્વારકા પોલીસે પર્દાફાશ કરી સસ્પેન્ડ તલાટી કમ મંત્રી સહિતના નવ શખસોની ધરપકડ કરી વધુ પૂછપરછ આરંભી હતી.
આ કૌભાંડની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી તંત્રમાં જન્મના રેકર્ડ સાથે ચેડા કરી સાચી એન્ટ્રીઓનો નાશ કરી બોગસ એન્ટ્રીઓના આધારે ગ્રામ પંચાયતના વેબપોર્ટલના ખોટા જન્મના પ્રમાણપત્ર બનાવી ભારતીય પાસપોર્ટના આધારે યુકેના પોર્ટુગીઝ વિઝા મેળવવાના કૌભાંડમાં યુકે જવા ઈચ્છુક વ્યક્તિઓની પસંદગી કરી પોર્ટુગીઝ નાગરિક ધરાવતા શખ્સો સાથે સંપર્ક કરી નાણાંકીય લેવડ-દેવડ કરી અને તેઓના ડોકયુમેન્ટનો ઉપયોગ કરી પાસપોર્ટ માટે એપ્લીકેશન કરનાર વ્યક્તિનું ફર્સ્ટનામ રાખવામાં આવતું હતું. ઉપરાંત માતા-પિતાનું નામ બદલીને પોર્ટુગીઝના વાલી તરીકે બતાવી જન્મના ખોટા પ્રમાણપત્રો બનાવી લેવામાં આવતા હતાં. જેમાં તેની ઉંમર 21 વર્ષથી ઓછી રાખવામાં આવતી હતી. કેમ કે, માયનોર તરીકે વિઝા મેળવવામાં સરળતા રહેતી હતી. આ વિગતોના આધારે આધારકાર્ડમાં એડીટીંગ કરી નામ તથા સરનામા બદલાવી નાખવામાં આવતા હતાં. તેમજ આધાર કાર્ડ અને જન્મના પ્રમાણપત્રોના આધારે સાઉથ ગુજરાતના વલસાડ, દમણ અને સુરતના એજન્ટો મારફતે તમામ કામગીરી કરવામાં આવતી હતી. ઉપરાંત બનાવટી પાસપોર્ટ બની જતાં પોસ્ટ મારફતે અગાઉ નિયત કરેલા સ્થળે આવે ત્યારે મેળવી લઈ અને અરજદાર સુધીનું પહોંચાડવા અંગેનું સુવ્યવસ્થિત કૌભાંડ આચરવામાં આવતું હતું. આ કૌભાંડ અંગે પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના નેજા હેઠળ એસઓજી પીઆઇ પી સી સીંગરખીયા, પીએસઆઇ આર જી વસાવા, એએસઆઇ રાજેન્દ્રસિંહ જાડેજા, ઈરફાન ખીરા, ભીખાભાઇ ગાગીયા તથા હેકો જીતુભાઇ હુણ, નિર્મલભાઈ આંબલિયા, કિશોરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, નિતેશભાઈ સાદીયા તથા લોકરક્ષક વિજયસિંહ જાડેજા, પબુભાઈ માયાણી, ખેતશીભાઈ મુન, વજાભાઈ લાંબરીયા, સ્વરૂપસિંહ જાડેજા, દિનેશભાઇ ચાવડા, સુમાતભાઈ ચાવડા, સંજયભાઈ વારોતરીયા સહિતના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ કૌભાંડ સાથે સંકળાયેલા પોરબંદર, સુરત, વલસાડ અને દમણના જુદા જુદા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછમાં પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી યુકે (ઈંગ્લેન્ડ) જવા ઈચ્છુક વ્યક્તિઓ પોરબંદરમાં રહેતાં પાસપોર્ટ એજન્ટ દિલીપ મોઢવાડિયા અને તેના સંબંધી આશિષ ઓડેદરાનો સંપર્ક કરતા હતાં જેમાં આશિષ વલસાડ અને દમણના પાસપોર્ટ એજન્ટોના સંપર્કમાં હતો. તેમજ રાયદે રાણા ઓડેદરા પોર્ટુગીઝ નાગરિકોના દસ્તાવેજો તથા પાસપોર્ટ બનાવવા જરૂરી માહિતી મેળવી ફરજ મોકુફ રહેલા તલાટી કમ મંત્રી હાર્દિક રાવલિયાનો સંપર્ક કરી અરજદારનું નામ પોર્ટુગીઝ માતા અથવા પિતાનું નામ અને માયનોર વિઝા સરળતાથી મળી રહે તે રીતે 21 વર્ષથી ઓછા રાખી જન્મ તારીખમાં ફેરફાર કરતાં હતાં અને ત્યારબાદ તલાટી કમ મંત્રી હાર્દિક તેની સરકારી ફરજનો ગેરઉપયોગ કરી જન્મ-મરણ નોંધ રજીસ્ટરમાં જૂની નોંધો કોઇપણ રીતે હટાવી તેમાં સત્તાની રૂએ ઓનલાઈન વેબપોર્ટલમાં ખોટા જન્મપ્રમાણપત્રો જનરેટ કરી પોતાની સહી કરી અને ખોટા જન્મપ્રમાણપત્રો પુરા પાડતો હતો.
ત્યારબાદ આશિષ ઓડેદરા અને દિલીપ મોઢવાડિયા દમણના એજન્ટ પ્રતિક પંટેલને જન્મતારીખનો દાલલો મોકલી આપતા હતાં. જેથી પ્રતિક ટંડેલ દ્વારા પાસપોર્ટ કઢાવવા આધારકાર્ડની જરૂરિયાત હોય, જેથી તેના સંબંધી અને ગ્લોબલ સાયબર કેફેનો સંચાલક નિહલ ટંડેલ મારફતે આધાર કાર્ડમાં અપડેટ કરાવી નવું આધાર કાર્ડ બનાવી લેતા હતાં અને તમામ દસ્તાવેજ વલસાડના પાસપોર્ટ એજન્ટ ભાવેશ પંચાલને સોંપતા હતાં. જેથી ભાવેશ પાસપોર્ટની વેબસાઈટ ઉપર ખોટી માહિતી તથા ડોકયુમેન્ટ અપલોડ કરી પાસપોર્ટ મેળવવાની ઝડપી અને સરળતા માટે સુરતના પાસપોર્ટ એજન્ટ રિતેશ શાહ અને પિનાકિન રાણાની મદદ લેતો હતો. તેમજ આ બનાવટી પાસપોર્ટ પ્રતિક ટંડેલ મારફતે કુરીયર કરી આશિષ ઓડેદરા અને દિલીપ મોઢવાડિયાને મોકલી આપતો હતો. આ પાસપોર્ટ એજન્ટો દ્વારા બનાવટી પાસપોર્ટધારક જ્યારે પોર્ટુગીઝ વિઝા માટે એપ્લીકેશન કરે ત્યારે પૂછપરછ કરવામાં આવતા સવાલો અંગે અરજદારને અગાઉથી જ તૈયારી કરાવી દેવામાં આવતી હતી. આ રીતે સમગ્ર કૌભાંડ ચાલતુ હતું. પોલીસ દ્વારા તપાસ દરમિયાન ઓનલાઈન વેબ પોર્ટલો અને જન્મતારીખના દાખલાઓ તથા રીઝનલ પાસપોર્ટ ઓફિસની કચેરીમાંથી પાસપોર્ટ નંબર તેમજ પાસપોર્ટની કોપી સહિતના દસ્તાવેજો એકઠાં કર્યા હતાં. તેમજ પોલીસે પાસપોર્ટ એપ્લીકેશન ફોર્મમાં એપ્લીકેશન કરનાર એજન્ટના ઈમેઇલ આઈડી તથા આઈપી, સાઈનઅપ ડીટેઇલ સહિતની વિગતો મેળવવામાં આવી હતી. ઉપરાંત ઈમેઇલ દ્વારા યુકે, રશિયા, ઓસ્ટે્રલિયા અને દુબઇથી કૌભાંડીઓ ઓપરેટ કરતા હોવાની વિગતો ખુલતા પોલીસ દ્વારા માઈક્રો પ્લાનિંગ તપાસ સાથે શંકાસ્પદ શખ્સોની ઓળખ કરવામાં ટેકનિકલ ઈન્ટેલીજન્સની પણ મદદ લેવામાં આવી હતી.
સમગ્ર ટોળકી દ્વારા 1960 માં આઝાદ થયેલા દમણ અને દિવ તથા ગોવામાં રહેનારા લોકોના પાસપોર્ટ પોર્ટુગીઝ હતા જેથી આ લોકો સહેલાઈથી યુરોપ અને ઈંગ્લેન્ડ જઈ શકતાં હતાં અને તેઓને યુરોપ તથા ઈંગ્લેન્ડની નાગરિકતા સરળતાથી મળી જતી હતી અને સેટલમેન્ટ લેટર પણ મળતો હતો. આ લેટરના આધારે પતિ, પત્ની, પુત્ર, પુત્રીઓ તથા પરપૌત્રને પણ યુરોપ કે ઈંગ્લેન્ડ બોલાવી શકતા હતાં. જેથી તેઓને ઈંગ્લેન્ડ જવું હોય અને ત્યાં સ્થાયી થવું હોય તો ઈંગ્લેન્ડમાં રહેનારા પોર્ટુગીઝ લોકોને મોટી રકમ આપી પોર્ટુગીઝ લોકો માતા-પિતા, દાદા-દાદી, નાના-નાની બની જઈ વિઝા મોકલતા હતાં અને તેમના આધારે પાસપોર્ટ બનાવનારો બનાવટી જન્મના દાખલા, આધાર કાર્ડ બનાવી તેમના ઉપરથી બનાવટી પાસપોર્ટ ઈશ્યૂ થતો હતો. જેથી ઈંગ્લેન્ડ જનારને આરામથી વિઝા મળી રહે અને થોડા સમય બાદ ત્યાંની નાગરિકતા મળી રહે.