જામનગર તાલુકાના ગડુકા ગામમાં રહેતી મહિલાને વીજશોક લાગતા માતાને બચાવવા ગયેલા 13 વર્ષના પુત્ર સહિત માતાનું પણ મોત નિપજતા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ગડુકા ગામમાં રહેતાં હંસાબા રાઠોડ નામની મહિલા શનિવારે રાત્રિના સમયે તેના ઘરે ઈલેકટ્રીક સગડી ઉપર રસોઇ બનાવતી હતી તે દરમિયાન એકાએક મહિલાને વીજશોક લાગતા બેશુદ્ધ થઈ ગઈ હતી. માતાને વીજશોક લાગતા 13 વર્ષના પુત્ર દિવ્યરાજસિંહએ માતાને બચાવવા પ્રયાસ કર્યો હતો. જેમાં તેને પણ વીજશોક લાગતા પુત્ર પણ બેશુદ્ધ થઈ ગયો હતો. ત્યારબાદ બેશુદ્ધ થઈ ગયેલા માતા-પુત્રને જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ બંનેના મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. બનાવની જાણના આધારે પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ બંનેના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાી હાથ ધરી હતી. નાના એવા ગડુકા ગામમાં માતા અને પુત્રના વીજશોકથી એક સાથે મોત નિપજતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.