સ્ટેટ એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ દ્વારા ભારતીય સુરક્ષા એજન્સીની જાસુસી કરવા બદલ ઓખા નજીક રહેતા ખાનગી કંપનીમાં નોકરી કરતા ભારતીય શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત એ.ટી.એસ.ના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને દરીયાઈ સીમાની કેટલીક મહત્વપૂર્ણ માહિતી પાકિસ્તાનને પહોંચતી હોય કેટલાક દિવસથી ગુજરાત એટીએસની ટીમ ઓખા નજીકના આરંભડા ગામના એક વ્યકિતને ટ્રેક કરી રહી હતી. ખાનગી કંપનીમાં નોકરી કરતા દિપેશ બટુકભાઈ ગોહિલ નામના આ શખ્સની ધરપકડ કરાયા બાદ પોલીસ દ્વારા કરાયેલ પુછપરછમાં આ શખ્સે કોસ્ટગાર્ડની કેટલીક માહિતી અને ફોટોગ્રાફસ સોશ્યલ મીડીયાના માધ્યમથી પાકિસ્તાનમાં કોઈ વ્યકિતને નાણાંની અવેજમાં પહોંચાડવામાં આવતી હતી. પોલીસ દ્વારા દિનેશ જયાં કામ કરતો હતો ત્યાંના તેના સંપર્કમાં રહેલા કેટલાક શખ્સોની પણ ઘનિષ્ઠ પૂછપરછ કરામાં આવી રહી છે જયારે તેના સંપર્કમાં રહેલા તેની પણ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એકાદ માસ પહેલા પણ એટીએસની ટીમે પોરબંદરથી એક શખ્સ જાસુસીના આરોપસર અટકાયત બાદ પુછપરછમાં સંવેદનશીલ માહિતી લીક થયાનું ખૂલ્યું હોય ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી જયારે આ વખતે ઓખા નજીક રહેતા ખાનગી કંપનીમાં નોકરીની આડમાં જાસુસી કરતા શખ્સને ઝડપવામાં સ્ટેટ એટીએસની ટીમને સફળતા મળી છે. આરોપી શખ્સના સંપર્કો સાથેની ઘનિષ્ઠ તપાસ બાદ વધુ તપાસમાં વધુ વિગતો ખૂલે તેવી સંભાવનાઓ વ્યકત કરાઈ રહી છે.
ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.આર. ચૌધરીને ગુપ્ત બાતમી મળેલ કે, દિપેશભાઈ બટુકભાઇ ગોહેલ (રહે. જય અંબે સોસાયટી, ત્રીજા ફાટક પાસે, આરંભડા, ઓખા મંડળ, દેવભૂમિ- દ્વારકા) છેલ્લા કેટલાક સમયથી કોઇ પાકિસ્તાની આર્મી કે જાસુસી સંસ્થા આઇ.એસ.આઇ.ના કોઇ અધિકારી કે એજન્ટ સાથે વોટ્સએપના માધ્યમથી સંપર્કમાં છે.
આ બાતમી હકીકત બાબતે એ.ટી.એસ. ગુજરાતના વરીષ્ઠ અધિકાઓને જાણ કરાતા તેઓની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક વી.કે. પરમારના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત શખ્સ દિપેશભાઈ ગોહેલને પૂછપરછ અર્થે અમદાવાદ એ.ટી.એસ ગુજરાત ખાતે બોલાવી તેની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે, દિપેશ છેલ્લા ત્રણેક વર્ષથી ઓખા જેટી ઉપર કોસ્ટગાર્ડની બોટોના રીપેરીંગનું કામ કરતો હતો. આજથી સાતેક મહિના પહેલા તે ફેસબુક પર Sahima ામ ધરાવતી એક પ્રોફાઈલ સાથે સંપર્કમાં આવ્યો હતો. પોતે એક મહિલા હોવાનું અને પાકિસ્તાન નેવી માટે કામ કરતી હોવાનું જણાવી આ Sahima ફેસબુક પ્રોફાઈલ ધારકે દિપેશ ગોહેલ સાથે વોટ્સએપના માધ્યમથી પણ સંપર્ક કર્યો હતો. દરમ્યાન ઉપરોક્ત સાહીમાએ દિપેશ ગોહેલને તેના કામ વિષે પુછતા તેણે ઓખા પોર્ટ ખાતે ડિફેન્સની બોટોમાં વેલ્ડીંગ તથા ઇલેકટ્રીક તથા ફર્નિચરને લગતુ કામકાજ કરતો હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ Sahima એ તેને જણાવેલ કે ઓખા પોર્ટ ઉપર કોસ્ટગાર્ડની જે કોઇ શીપ ઉભી હોય તેના નામ તથા નંબરની માહિતી તેને આપવી અને તે તેને રોજના રૂા. 200 લેખે દર મહિને પૈસા તેના બેંક ખાતામાં જમા કરાવશે. જેથી દિપેશ ગોહેલે Sahima ને વોટસએપના માધ્યમથી પૈસાની લાલચમાં દર રોજ ઓખા જેટી ઉપર જઇ ત્યાં હાજર બોટોના નામ તથા નંબરની તથા પૈસા મેળવવા પોતાના મિત્રોના UPI-Linked નંબરોની માહિતી મોકલેલ આપેલ હતી ને તે બદલ સાહિમાએ તેણે આપેલ તેના મિત્રોના બેંક ખાતામાં છેલ્લા સાત-આઠ મહિના દરમ્યાન રૂ. 42,000 જેટલા યુ.પી.આઇ.થી જમા કરાવ્યા હતાં.
ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક વી.કે. પરમારના માર્ગદર્શન મુજબ પી.એસ.આઈ. એ.આર. ચૌધરી તથા વાયરલેસ પીએસઆઈ જે.પી. વરમોરા દ્વારા ઉપરોત માહિતીની ખરાઈ કરતા તેમાં તથ્ય હોવાનું જાણવા મળ્યું હતું. વધુમાં Sahima એ દિપેશ ગોહેલ સાથે ચેટ કરેલ વોટ્સએપ એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહેલ હોવાનું ખૂલવા પામ્યું હતું.
આ પ્રકારની સંવેદનશીલ માહિતી જો પાકિસ્તાન જેવા દેશ માટે જાસૂસી કરી રહેલ એજન્ટને મળે તો તે ભારત દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરીક સામતી માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે. જે બાબત ધ્યાને લઈ ઉપરોક્ત માહિતી તથા પુરાવા આધારે દિપેશ ગોહેલ તથા પાકિસ્તાની મહિલા એજન્ટ Sahima દ્વારા ઇન્ડિયન કોસ્ટગાર્ડના રીસોર્સીસ અંગેની માહીતી ગેરકાયદેસર રીતે નાણાકીય વળતર મેળવી આપ-લે કરી હોય તેઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ 61 તથા કલમ 148 મુજબ ગુજરાત એ.ટી.એસ. ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.