જામનગરના ચાંદીબજાર ખાતે આવેલ સ્થાનકવાસી જૈન ચાંદીબજાર મોટાસંઘ ખાતે જૈન ભાગવતી દિક્ષા મહોત્સવ અને ધાર્મિક આરાધના મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં જામનગરનો 13 વર્ષનો હેતકુમાર દિક્ષા ગ્રહણ કરશે. આ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાઇ રહયા છે.
જામનગરના ચાંદીબજાર ખાતે આવેલ સ્થાનકવાસી જૈન ચાંદીબજાર મોટાસંઘના આંગણે રત્નકુક્ષિણી માતા દેવલબેન તથા નિતીનભાઇ કિરીટભાઇ તુરખીયાના પુત્ર હેતકુમાર (ઉ.વર્ષ 13)ના ભાગવતી દિક્ષા મહોત્સવ અને ધાર્મિક આરાધના મહોત્સવનું આયોજન કરાયું છે. ગોંડલ સંપ્રદાયના પૂજય ગુરૂભંગવત બ્રા. ભ્ર. રાજેશમુનિજી મહારાજ સાહેબ તથા સતીરત્નોની પાવન નિશ્રામાં આ દિક્ષા મહોત્સવ કાર્યક્રમ યોજાશે. તા. પ ડિસેમ્બરના રોજ દિક્ષાભૂમિ શ્રી ડુંગર ગુરૂરાજ પ્રવજયા પટાંગણ, સંઘમાતા હેમલતાબા સંકુલ, એમ.પી. શાહ કોલેજ જામનગર ખાતે તથા મહાભિનિષ્ક્રમ યાત્રા સવારે 9-30 વાગ્યે સંઘમાતાના નિાસસ્થાન ખુશ્બુવાડીથી દિક્ષા ભૂમિ પગપાળા તથા સવારે 10-30થી દિક્ષાવિધી મંગલ પ્રવચન સહિતના કાર્યક્રમો યોજાશે.
આ દિક્ષા મહોત્સવ અંતર્ગત તા. 28 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી બપોરે 3 થી પ દરમ્યાન 8 થી 45 વર્ષન ભાઇઓ બહેનો માટે સંસ્કાર સપ્તાહ, તા. 3 થી પ ડિસેમ્બર 10 થી 45 વર્ષના ભાઇઓ માટે નિવાસીય શિબિર, સંયમ અનુમોદના શિબિર, રહેવા-જમવાની સુવિધા સાથે યોજાશે. તા. 4 ડિસેમ્બરના બપોરે 3 થી પ દરમ્યાન સ્તવન, સ્તુતિ ભકિત, સમૂહ સાંજી સહિતના કાર્યક્રમો યોજાશે. દિક્ષા મહોત્સવમાં સમસ્ત શ્રી સંઘને સહ પરિવાર પધારવા સ્થાનકવાસી જૈન ચાંદીબજાર મોટા સંઘ, સેવા સંસ્થા યુવક મંડળ, સ્થાનકવાસી જૈન હાલારી પોષધશાળા, સ્થાનકવાસી જૈન પોષધશાળા તેજપ્રકાશ, કે.ડી. શેઠ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ રણજીતનગર, સ્થાનકવાસી જૈન ઉપાશ્રય પ્રવાસી ગૃહ, કુમારપાળ પોષધશાળા, સ્થાનકવાસી જૈન ઉપાશ્રય દિગ્વિજય પ્લોટ તથા નિતિનભાઇ કિરીટભાઇ બાબુભાઇ તુરખીયા પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.