જામનગર શહેરના અતિશય ગીચ એવા બર્ધનચોક વિસ્તારમાં આડેધડ અડીંગો જમાવીને ટ્રાફિકને અડચણરૂપ રહેતાં રેંકડી અને પથ્થારાવાળા વિરૂધ્ધ પીઆઈ એમ વી ગજ્જરના માર્ગદર્શન હેઠળ હેકો મહેન્દ્રસિંહ ઝાલા, સતુભા વાળા, પારસ ફલિયા અને રામસિંહ ગોહિલ સહિતના સ્ટાફ દ્વારા કડક કાર્યવાહી અંતર્ગત સાત જેટલા દબાણકારોને હટાવી 285 કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. આમ ટ્રાફિક પોલીસ દ્વારા બર્ધનચોક વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ પથ્થારાવાળાઓને દૂર કરવાની સમયાંતરે કરવામાં આવતી કામગીરી ખરેખર સરાહનીય છે પરંતુ દુ:ખદ બાબત એ છે કે શહેરના એકમાત્ર બર્ધનચોક વિસ્તારમાં જ દબાણ કરેલા પથ્થારાવાળઓ અને રેંકડીવાળાઓને દૂર કરવાની કામગીરી પોલીસ વિભાગ કે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કરવામાં આવે છે. પરંતુ, શહેરના અન્ય વિસ્તારો જેવા કે ખોડિયાર કલન, રણજીતરોડ, શરૂ સેકશન રોડ, પટેલ કોલોની, ચાંદીબજાર, ગુલાબનગર, ગોકુલનગર જેવા વિસ્તારોમાં પણ રેંકડીવાળાઓ અને પથ્થારાવાળાઓ દબાણ ખડકીને પોતાનો વ્યવસાય કરી લેતા હય છે.
ત્યારે વિચારવા જેવી બાબત એ છે કે, વર્ષોથી જામનગર શહેરમાં મહાનગરપાલિકા અને ટ્રાફિક શાખા દ્વારા છાશવારે બર્ધનચોકમાં અડીંગો જમાવેલા પથ્થારાવાળાઓને દૂર કરવામાં આવે છે પરંતુ શહેરના બાકી વિસ્તારોમાં શું ટ્રાફિક છે જ નહીં ? કે પછી ટ્રાફિકને અડચણરૂપ રેંકડીવાળાઓ અને પથ્થારાવાળાઓએ દબાણ કર્યુ જ નથી ? શહેરના ઘણાં વિસ્તારોમાં રાજમાર્ગો પર રેંકડીવાળાઓ અને પથ્થારાવાળાઓ દબાણો ખડકી દયે છે. હાલમાં દિવાળી પહેલાં શરૂ સેકશન રોડ પર પેટ્રોલ પંપની સામેના ભાગમાં આખેઆખી ફુટપાથ માર્કેટ ઉભી થઈ ગઇ છે અને દિવાળી પહેલાં તો રોડ પર ખડકાયેલી આ માર્કેટમાં અસંખ્ય ગ્રાહકો ખરીદી કરવા આવતા હોવાથી આ રોડ પર સતત ટ્રાફિક જામ રહેતો હતો. ત્યારે શું આ રોડ પર શરૂ થયેલી માર્કેટ ટ્રાફિક પોલીસ કે મહાનગરપાલિકાને ધ્યાનમાં નથી આવી ? કે પછી જાણી જોઇને તંત્ર અન્ય વિસ્તારોમાં ખડકાયેલા દબાણોમાં આંખ આડા કાન કરે છે.