જામનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો આંશિક વધવાની સાથે 19.5 ડિગ્રીએ પહોંચ્યો છે. જો કે, મહત્તમ તાપમાન હજૂપણ 32 ડિગ્રી જેટલું હોય, બપોરના સમયે ગરમી હજૂ પડી રહી છે. સવાર-સાંજ ઠંડક અને બપોરે ગરમીથી મિશ્ર ઋતુને પરિણામે રોગચાળો વકરી રહ્યો છે. અનેક લોકો તાવ, શરદી, ઉધરસ જેવા વાયરલ રોગચાળાનો સામનો કરી રહ્યાં છે.
જામનગર શહેર જિલ્લામાં ધીમે-ધીમે ઠંડીનો માહોલ જામતો જોવા મળી રહ્યો છે. ધીમા પગલે ઠંડીના પગરવ થઇ રહ્યાં છે. ઠંડીનો માહોલ શરુ થતાં વોકિંગ-જોગીંગ તથા કસરત કરનારાઓ ઠંડીની મોજ માણી રહ્યાં છે. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રુમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી, મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 57 ટકા તથા પવનની ગતિ 3.3 ડિગ્રી પ્રતિ કલાક નોંધાઇ હતી. છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો 1.5 ડિગ્રી ઉચકાયો છે. ગઇકાલે રવિ લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયા બાદ આજે લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રીએ પહોંચ્યું છે. ઠંડીના આગમનને લઇ શહેરમાં વ્હેલી સવારે કામ ધંધે જતાં લોકો તેમજ કસરત માટે જતાં શહેરીજનો સ્વેટરનો સહારો લઇ રહ્યા છે.
જામનગર શહેર ઉપરાંત ધ્રોલ, જોડીયા, લાલપુર, જામજોધપુર સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ ધીમે-ધીમે ઠંડીનો માહોલ જામી રહ્યો છે. જો કે, હજૂપણ મહત્તમ તાપમાન 32-33 ડિગ્રી આજુબાજુ રહે છે. જેના પરિણામે બપોરના સમયે ગરમી જોવા મળે છે. સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમીથી લોકો મિશ્ર ઋતુનો સામનો કરી રહ્યાં છે. મિશ્ર ઋતુને પરિણામે વાયરલ રોગચાળાના કેસો વધી રહ્યાં છે. શહેરમાં ઘરે-ઘરે તાવ, શરદી, ઉધરસ જેવા વાયરલ કેસો જોવા મળી રહ્યાં છે. વાયરલ રોગચાળાને પગલે જામનગરની સરકારી તથા ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે.