જામનગરમાં માવતરે પ્રસુતિ માટે આવેલી મહિલા પોલીસ કર્મચારી યુવતીનું ભાઈ-બીજના દિવસે હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યા બાદ પત્નીના વિયોગમાં ત્રણ દિવસથી ગુમસુમ રહેતાં પતિએ મનમાં લાગી આવતા વીજરખી ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યાના બનાવથી સમગ્ર હાલાર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઇ હતી.
હૃદય હચમચાવી દેનારી બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં જૂના નાગનાથ પાર્ક પાસે નાગેશ્વર પાર્કમાં રહેતા અને મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા સેજલબેન જોગેશભાઈ નકુમ નામની મહિલા છેલ્લાં બે માસથી ગોકુલનગરમાં આવેલા તેના માવતરે પ્રસુતિ માટે રોકાવા આવી હતી. તે દરમિયાન બાળકીને જન્મ આપ્યો હતો અને બે માસની પુત્રી સાથે માવતરે હતી ત્યારે ભાઈ બીજના તહેવારના દિવસે સવારે 11:30 વાગ્યાના અરસામાં ન્હાવા માટે ગયા હતાં તે દરમિયાન હૃદયરોગનો ઘાતક હુમલો આવતા સેજલબેનનું મોત નિપજ્યું હતું. ભાઈ-બહેનના તહેવાર એવા ભાઈ-બીજના દિવસે ભાઈના ઘરે બહેનના મૃત્યુથી પરિવાર તથા જીલ્લામાં અરેરાટી ફેલાઈ ગઈ હતી અને બે માસની પુત્રી માતાવિહોણી બની ગઈ હતી. આ ઘટનામાં હજુ તો પરિવાર બહાર નોતો આવ્યો અને યુવતીના મૃત્યુના આઘાતમાં હતો.
દરમિયાન પત્નીના મોતથી આઘાતમાં રહેલો પતિ જોગેશભાઈ પરશોતમભાઈ નકુમ (ઉ.વ.30) નામનો યુવાન પત્નીના અચાનક અવસાનથી આપઘાતમાં ગુમસુમ રહેતો હતો અને પત્નીના વિયોગનું મનમાં લાગી આવતા બુધવારે સાંજના સમયે વીજરખી જઈને ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ બનાવ અંગેની જાણ થતા ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઇ હતી અને ડેમમાંથી જોગેશભાઈના મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. જેના આધારે હેકો બી.એચ. લાંબરીયા તથા સ્ટાફે મૃતકના પિતા પરશોતમભાઈ નકુમના નિવેદનના આધારે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી. બે માસ પૂર્વે જન્મ થયેલી બાળકીના માતા-પિતાના ત્રણ દિવસની અંદર જ મોત નિપજતા બાળકી માતા-પિતા વિહોણી બની ગઈ હતી. દંપતીના મોતથી પરિવાર અવાચક થઈ ગયો હતો.