જામનગર શહેરના શાંતિનગર વિસ્તારમાં રહેતા ખેડૂત યુવાનનું ઢીચડા રોડ પર આવેલું મકાન વેંચાણ કરાર કરીને બે ભાઈઓએ આ મકાન અન્ય વ્યક્તિને વેંચી નાખી વિશ્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરના શાંતિનગર-6 વિસ્તારમાં રહેતાં હરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા નામના યુવાન ખેડૂતે દિગ્જામ વુલનમીલ પાછળ ઢીચડા રોડ પર આવેલી પરેશ અને હરેશ દેવશીભાઈ ગોહિલ નામના બે ભાઈઓની સંયુકત માલિકીનું મકાન વેંચાણ કરારથી ખરીદ કર્યુ હતું અને આ મકાનનો વેંચાણ કરાર પેટે યુવાને 80 હજાર રોકડા તથા રૂા.1,70,000 નો ચેક મળી કુલ રૂા.2,50,000 ચૂકવ્યા હતાં. રકમ ચૂકવી દીધા બાદ ખેડૂત યુવાન દ્વારા અવાર-નવાર મકાન માટે બંને ભાઈઓને ફોન કરાતા જુદા જુદા બહાના બતાવી ટાળતા હતાં તેમજ ખેડૂત યુવાનની જાણ બહાર બંને ભાઈઓએ આ મકાન વેંચી દઇ વિશ્વાસઘાત કર્યાનું જણાતા યુવાને બંને ભાઈઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ ડી જી રાજ તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.