જામનગર તાલુકાના સીક્કામાં કારાભુંગા વિસ્તારમાં રહેતાં સરપંચ તથા પૂર્વ સરપંચ દ્વારા પીજીવીસીએલના કર્મચારીને ફોન ઉપર ગાળો કાઢી હતી અને રીપેરીંગ માટે આવેલી ટીમને કામગીરી કરવા નહીં દઈ અને ફરજમાં રૂકાવટ કરી ધમકી આપ્યાના બનાવે ભારે ચકચાર જગાવી છે.
આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામના કારાભુંગા વિસ્તારમાં રહેતાં સરપંચ રેખાબેન અને તેના પતિ પૂર્વ સરપંચ જગદીશભાઇ ચૌહાણના ઘરે ડિમ લાઈટ હોવાની ફરિયાદ પૂર્વ સરપંચ જગદીશભાઈ દ્વારા પીજીવીસીએલમાં કરાતા ફરજ પરના તસ્લીમભાઇએ થોડીવાર પછી રીપેરીંગ કરવા આવશે તેમ જણાવતા પૂર્વ સરપંચે ફોન પર કર્મચારી સાથે ગાળાગાળી કરી જેમ ફાવે તેમ બોલ્યા હતાં. બાદમાં કનુભાઈ ડામોર દ્વારા લાઈનમેન સંજયભાઈ ડામોર, અલ્પેશભાઇ, વિશાલભાઈ ગંઢા, દિનેશભાઈ કતારા સહિતની ટીમ સરપંચના ઘરે ડિમલાઈટ નિવારણ માટે ગયા હતાં. ત્યારે રહેણાંક મકાનની બાજુમાં એલટી લાઈનનો એબી કેબલ ખરાબ થઈ ગયો હોય જેથી રીપેરીંગ કરવા પહોંચ્યા હતાં. ત્યારે પૂર્વ સરપંચ જગદીશભાઈ ચૌહાણ અને દિગ્વીજય ગ્રામ સીક્કાના સરપંચ રેખાબેન જગદીશભાઈ ચૌહાણ નામના પૂર્વ સરપંચ તથા સરપંચએ પીજીવીસીએલની ટીમને જેમ ફાવે તેમ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી.
ત્યારબાદ આ દંપતી દ્વારા થાંભલામાંથી ડાયરેકટર કનેકશન લીધુ હોય જેથી પીજીવીસીએલના કર્મચારી કનુભાઈએ વીજપોલીસ સ્ટેશન ખાતે જગદીશભાઈ ચૌહાણ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી અને રૂા.2,18,000 જેટલી રકમની ગેરરીતિ આચરી હોવાનું બીલ આપ્યું હતું તેમજ પોલીસ મથકમાં સરપંચ તથા પૂર્વસરપંચ વિરૂધ્ધ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હેકો એસ.ડી. જાડેજા તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી.