જામનગર શહેરના મયુરનગર આવાસ વિસ્તારના પાર્કિંગમાં પિતાજીને શોધવા નિકળેલા યુવાન ઉપર શખ્સે ગાળો કાઢી લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
આ હુમલાની વિગત મુજબ, જામનગર શહેરમાં નિલકમલ સોસાયટી પાછળ આવેલા દલિતનગરમાં રહેતાં કરણભાઈ મેઘજીભાઈ સાગઠીયા નામના યુવાનના પિતા મેઘજીભાઈ સાગઠીયા ગત રાત્રિના સમયે સમયસર ઘરે ન આવતા કરણ તેના પિતાજીને શોધવા નિકળ્યો હતો. તે દરમિયાન હનુમાન ટેકરી મેલજી માતાજીના મંદિર પાસે પહોંચતા પ્રિતેશ ઉર્ફે પકો નારણ નામના શખ્સે કરણને આંતરીને તું મોડેથી આ બાજુ કેમ આવ્યો ? કેમ રખડશ ? તેમ કહી બોલાચાલી અને ઝઘડો કરી ગાળો કાઢવા લાગ્યો હતો. જેથી કરણે ગાળો કાઢવાની ના પાડતા લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત કરણને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ આર.કે. ખલીફા તથા સ્ટાફે પ્રીતેશ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.