જામનગર શહેરના સાધના કોલોનીમાં જર્જરિત આવાસોના ડિમોલીશનની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આ વિસ્તારમાં એક બિલ્ડિંગનો અડધો ભાગ ધરાશાયી થતા એકનું મૃત્યુ થયું હતું.
જામનગર શહેરના ન્યુ સાધના કોલોની વિસ્તારમાં આવેલ બે બિલ્ડિંગના ફલેટો જર્જરીત હાલતમાં હોય આ મકાનો ખાલી કરવા જામનગર મહાનગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી હતી. અગાઉ અહીં જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થતાં ત્રણ લોકોના મૃત્યુ થયા બાદ ગત રવિવારના પણ અહીં એક બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થતાં એક પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું હતું. જેને લઇ જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ શાખાના અધિકારી મુકેશ વરણવાની સુચનાથી નીતિન દિક્ષીત સહિતનો સ્ટાફ તથા ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ વિસ્તારમાં જર્જરિત મકાનધારકોને નોટિસ આપી હોવા છતાં મકાન ખાલી કર્યા ન હોય. તેવોને તાત્કાલિક મકાન ખાલી કરાવવાની કામગીરી હાથ ધરી હતી અને ત્યારબાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે જર્જરિત મકાનનું ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.