જામનગર શહેરના રામેશ્વરનગર રોડ પર આવેલી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં આજે સવારે એકાએક આગ લાગી હતી. ફાયર ટીમે સ્થળ પર પહોંચી જઇ આગને કાબુમાં લીધી હતી. પરંતુ તે પૂર્વે અમુક સરકારી સાહિત્ય સળગી ગયું હતું.
ઘટનાની વિગત મુજબ જામનગર શહેરના રામેશ્વરનગર મેઇન રોડ પર આવેલી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં સવારે સવા આઠ વાગ્યાના અરસામાં એકાએક આગ લાગી હતી. આગ લાગ્યાની ફાયર બ્રિગેડમાં જાણ કરવામાં આવતાં ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નીનોઈ સૂચનાથી સ્ટેશન ફાયર ઓફિસર ડામોર તથા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી. આગ લાગ્યાની જાણ થતાં કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા (હકાભાઇ) ઘટના સ્થળે દોડી ગયા હતાં. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં લાગેલી આગને ફાયર ટીમ દ્વારા પાણીના મારાથી કાબુમાં લેવામાં આવી હતી. જો કે, આગ સવારે લાગી હોવાથી ઓફિસમાં કોઇ સ્ટાફ કે કર્મચારી હાજર ન હોવાથી જાનહાની ટળી હતી. સરકારી કચેરીમાં એકાએક લાગેલી આગે અનેક સવાલો ઉભા કરી દીધા છે. કેમ કે, આ આગમાં સરકારી સાહિત્ય સળગી ગયું હોય. જેથી ચોક્કસ કેટલું નુકસાન થયું તે કહી શકાય તેમ નથી. છેલ્લા થોડાક દિવસોમાં જામનગર શહેર અને જિલ્લામાં આગના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. સરકારી કચેરીમાં આગ લાગ્યાના પ્રાથમિક તારણમાં શોર્ટસર્કીટ હોવાનું જણાઇ રહ્યું છે. પરંતુ આગ ક્યાં કારણોસર લાગી ? તે હવે પછી સ્પષ્ટ થશે.