જામનગર શહેરમાં ફુડ શાખા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભરાતી શુક્રવારી બજાર સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં ગોલા-ગુલ્ફી, સરબત, સોડા સહિતની ખાણીપીણીનું ચેકિંગ કરાયું હતું. આ ઉપરાંત વિલિયમ્સ ઝોન પીઝામાં વંદો નિકળ્યાની ફરિયાદ અંગે પણ ચેકિંગ કરાયું હતું. જેમાં કાંઇ મળ્યુ ન હતું અને વેંચાણ બંધ કરાવી પેસ્ટ કંટ્રોલ કરાવવા તાકીદ કરી હતી તથા કામતા ફાસ્ટફુડમાંથી પાંચ કિલો જલેબીનો નાશ કરવામાં આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખાને શહેરના ગ્રીનસીટીમાં આવેલ વિલિયમ ઝોન પીઝા સેન્ટરમાં ખાણીપીણીમાં વંદો નિકળ્યાની ફરિયાદ મળી હતી. જેેને લઇ રૂબરૂ ઇન્સ્પેકશન હાથ ધર્યુ હતું. જેમાં કોઇ જીવાત કે કંઇ મળી આવ્યું ન હોવાનું જામ્યુકોએ જાહેર કર્યુ છે. તેમ છતાં એફબીઓને વેંચાણ બંધ રાખી સીટીંગ તેમજ રસોડામાં તથા તમામ ઈન્ટીરીયલમાં પેસ્ટ કંટ્રોલ કરાવવા તાકીદ કરી હતી.
આ ઉપરાંત જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભરાયેલી શુક્રવારી બજારમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં રાજુ ડીસ ગોલા, આશાપુરા ડીસ ગોલા, કાદર સોડાવાળા, આશાપુરા ગોલા, ગફાર સોડાવાળા, સંજય લચ્છીવાળા, મિલનભાઈ સોડાવાળા, પ્રદિપકુમાર લીંબુસોડાવાળા, હિતેશ લીંબુ સોડા, મહાદેવ ફાસ્ટ ફુડ, બટુક રસ ડીપો, મનોજ ઘુઘરા, જયવીર દાલવડી, ચામુંડા ઘુઘરાવાળા, રામજીભાઇ ગોલાવાળા, મહેશ ડીશ ગોલામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
તેમજ શિવમ પેટ્રોલ પંપની બાજુમાં જય ગુરૂદેવ, શિવમ પરોઠા, મહાદેવ સાઉથ ઈન્ડીયન, એમ.પી. શાહ ઉદ્યોગનગર, ધરારનગરમાં ઓમ ફરસાણમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. કામતા ફાસ્ટફૂડમાં પાંચ કિલો અખાદ્ય જલેબી મળી આવતા તેનો સ્થળ પર નાશ કરાયો હતો અશોક આઈસ ફેકટરી તથા ભૂલચંદ એન્ડ કંપની આઈસ ફેકટરીમાં કોરોઝનયુકત આઈસ કન્ટેનર બદલવા તથા પાણીમાં સુપર કલોરીનેશન જાળવવા સુચના અપાઈ હતી.
જામનગરમાં બેડેશ્વરમાં આવેલ આઝાદ આઈસ ફેકટરી, હાપામાં શિતલ તેમજ અમી આઈસ ફેકટરી, જેઠવા આઈસ ફેકટરીમાં ચેકિંગ કરી આઈસ કન્ટેનર બદલવા, ઓવરહેડ તેમજ અન્ડર ગ્રાઉન્ડ ટાંકાની નિયમિત સફાઈ સહિતની બાબતો અંગે તાકીદ કરાઈ હતી.
નાગરિકને ચીઝમાંથી નટબોલ નીકળ્યો
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર નુરી પાર્કમાં રહેતાં અમિનભાઈ ખુરેશી નામના નાગરિકે એક દુકાનમાંથી અમૂલ ચીઝની ખરીદી કરી હતી. જેમાં નટબોલ નીકળતા આ અંગે ફરિયાદ કરી હતી.