પ્રોહિબીશનના કેસમાં હાજર થવા મામલે આણંદ એલસીબીના હેકો તથા એએસઆઈ દ્વારા રૂા.70 હજારની લાંચ લેવાના કેસમાં આણંદ એલસીબી દ્વારા છટકુ ગોઠવી એએસઆઈને ઝડપી લઇ હેકો નાશી ગયા હોય વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, આ કેસમાં ફરિયાદી વિરૂધ્ધ પ્રોહિબીશનનો ગુનો દાખલ થયો હોય. જે ગુનાના કામે હાજર થવા આણંદ એલસીબીના હેકો હિતેશ જીવા ચૌહાણ તથા એએસઆઈ ઘનશ્યામસિંહ ઉત્તમસિંહ સેનગર, ફરિયાદીના ઘરે ગયા હતાં અને ફરિયાદી પાસે રૂા.4 લાખની લાંચ માંગી હતી અને રકઝકના અંતે રૂા.70 હજાર લેવાનું નકકી કર્યુ હતું. જે રૂપિયા 70 હજારની રકમ તથા એક જામીન લઇ એલસીબી ઓફિસ ખાતે આવી જવા જણાવ્યું હતું. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય. આ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો.
એસીબી દ્વારા ફરિયાદીની ફરિયાદને ધ્યાને લઇ તા.26 ના રોજ આણંદ એલસીબી શાખા ખાતે છટકુ ગોઠવ્યું હતું. આ છટકા દરમિયાન એએસઆઈ ઘનશ્યામસિંહ ઉત્તમસિંહ સેનગર ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂા.70 હજાર લેતા સ્થળ પર ઝડપાઈ ગયા હતાં. તેમજ અન્ય આરોપી હેકો હિતેશ જીવા ચૌહાણ કામ અર્થે બહાર ગયા હતાં અને ત્યાંથી નાશી છૂટયા હતાં. આ સમગ્ર કાર્યવાહી ગોધરા એકમ પંચમહાલના એસીબી મદદનીશ નિયામક બી.એમ. પટેલના સુપરવિઝન હેઠળ મહિસાગર એસીબીના પીઆઈ એમ.એમ.તેજોત સહિતના સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.