જામનગર તાલુકાના નિકાવા ગામમાં આવેલી રાજકોટના વેપારી યુવાનની ખેતીની જમીન ત્રણ શખ્સોએ ગેરકાયદેસર દબાણ કરી પછાવી પાડયાના બનાવ અંગે કલેકટરને કરેલી અરજી બાદ પોલીસે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા અમૃતનગર સોસાયટીમાં રહેતાં અને ખેતી કરતા વેપારી રાહુલભાઈ નાનજીભાઈ પટેલ નામના યુવાનની કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામની સીમમાં આવેલી રેવન્યુ સર્વે નંબર 231 (જૂના રેવન્યુ સર્વે નંબર 36 પૈકી 1 /પૈકી 1) વાળી જૂની શરતની ‘ઝુંપડીવારુ’ તરીકે ઓળખાતી હે. 2-20-82 જીરાયત તથા હે. 0-02-02 પો.ખ. મળી કુલ હે. 2-22-84 જેના 22,284 ચો.મી. ક્ષેત્રફળવાળી ખેતીની જમીનમાં વર્ષ 2022 થી ખડધોરાજી ગામના જયાબેન રામજી કુંભાર, સનત રામજી કુંભાર અને સાગર સનત કુંભાર નામના ત્રણ શખ્સોએ આ ખેતીની જમીનમાં 34 ગુઠા જેટલી જગ્યાનું ગેરકાયદેસર રીતે કબ્જો કરી દબાણ કરી પચાવી પાડી હતી અને ખેડૂત યુવાનને પ્રવેશ કરવા દેતા ન હતાં. જેના કારણે રાહુલભાઈ એ આ દબાણ અંગે જામનગર કલેકટરને કરેલી અરજી સંદર્ભે ડીવાયએસપી આર બી દેવધા તથા સ્ટાફે મહિલા સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.