જામનગર શહેરમાં આવેલ એમ્યુઝમેન્ટ પાર્કમાં આવેલી મનોરંજન રાઇડો હાલમાં બંધ હોય ઉનાળુ વેકેશન ચાલી રહયું હોય લોકો મોટી સંખ્યામાં ફરવા આવતા હોય આ રાઇડો બંધ હોય બાળકો આ સુવિધાઓથી વંચિત રહે છે. આ ઉપરાંત અહીં મ્યુઝિકલ ફાઉન્ટેન તેમજ રેઇન ડાન્સનો ફાઉન્ટેન પણ માત્ર શનિ-રવિ બે દિવસ જ ચાલુ રાખવામાં આવે છે. ત્યારે હાલ ઉનાળુ વેકેશન ચાલી રહયું હોય વેકેશન દરમ્યાન આ મ્યુઝિકલ ફાઉન્ટેન તથા રેઇન ડાન્સની સુવિધા વેકેશન પૂરતી દરરોજ રાખવામાં આવે તેમ લોકોમાં માંગણી ઉઠી છે. જેથી વેકેશન દરમ્યાન શહેરીજનોને આ સુવિધાનો વધુ લાભ મળી શકે.
હાલમાં જામનગર સહિત રાજ્યભરમાં ગરમીનો પારો વધી રહ્યો છે. જેને પરિણામે આકરા તાપ અને લુ થી શહેરીજનો પરેશાન થઇ રહયા છે. બીજી તરફ હાલમાં બાળકોને શાળા કોલેજોમાં ઉનાળુ વેકેશન ચાલી રહયું છે. જેથી શહેરીજનો ઉનાળુ વેકેશનને લઇ હરવા ફરવાના સ્થળે જઇ રહયા છે. ઉનાળાની આકરી ગરમી હોય સાંજના સમયે શહેરીજનો બાગ બગીચાઓમાં ગરમીથી રાહત મેળવવા જતા હોય છે. એવામાં જામનગર શહેરમાં આવેલ એમ્યુઝમેન્ટ પાર્કમાં વિવિધ મનોરંજન રાઇડો મૂકવામાં આવી છે પરંતુ આ રાઇડો બંધ હોય જેને પરિણામે શહેરીજનોને આ સુવિધાનો હાલમાં લાભ મળી શકતો નથી. આ અંગે મળતી માહિતી અનુસાર મનોરંજનની રાઇડોનો કોન્ટ્રાકટ પૂર્ણ થઇ ચૂકયો હોય રાઇડો હાલમાં બંધ હોવાનું જાણવા મળી રહયું છે. હાલમાં ઉનાળાની ગરમીની સાથે વેકેશન પણ ચાલી રહયું હોય બાળકો પરિવારજનો સાથે મોટી સંખ્યામાં અહીં જતા હોય છે. એવામાં મનોરંજન રાઇડો બંધ હોવાને પરિણામે શહેરીજનોને આ મનોરંજન રાઇડોથી વંચિત રહેવું પડી રહયું છે. જેથી ઉનાળુ વેકેશન પૂર્ણ થાય તે પૂર્વે વહેલી તકે આ અંગે કોઇ કાર્યવાહી થાય તો લોકોને મનોરંજન રાઇડનો લાભ મળી શકે.
આ ઉપરાંત એમ્યુઝમેન્ટ પાર્કમાં આવેલ વિશાળ મ્યુઝિકલ ફાઉન્ટેન તથા રેઇન ડાન્સની સુવિધાઓ માત્ર અઠવાડિયામાં બે દિવસ જ ચાલુ રાખવામાં આવે છે. આથી જો ઉનાળુ વેકેશન પૂરતી આ સુવિધાઓ દરરોજ ચાલુ રાખવામાં આવે તો ઉનાળુ વેકેશનમાં અહીં ફરવા આવતા શહેરીજનોને આ સુવિધાનો વધુ લાભ મળી શકે તેમ પણ લોકમુખે ચર્ચાય રહયું છે.