જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલી બે દુકાનોની સામે ગેરકાયદેસર રીતે ગેસના બાટલામાંથી ખાલી બાટલામાં ગેરકાયદેસર રીફીલીંગ કરાતા સ્થળે એસઓજીની ટીમે રેઈડ દરમિયાન બે શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.32600 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં એપલ ગેઈટથી અંદરના રોડ પર યલ્લો ગોલ્ડના કારખાના પાસેથી બે દુકાનની સામે જાહેરમાં ભરેલા ગેસના બાટલામાંથી ખાલી બાટલામાં ગેસ રીફીલીંગ કરાતું હોવાની એસઓજીના ચંદ્રસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ ઝાલા, તોસિફ તાયાણીને મળેલ બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ એલ.એમ.ઝેરના માર્ગદર્શન હેઠળ ટીમે રેઈડ દરમિયાન દિપક હેમંત બેલાને ગેરકાયદેસર રીફીલીંગ કરતા ઝડપી લઇ તેની પાસેથી નાના મોટા ગેસના ખાલી અને ભરેલા પાંચ બાટલાઓ કબ્જે કરી ઈલેકટ્રીક વજન કાટા સાથે કુલ રૂા.16700 નો મુદ્દામાલ કબ્જે કરી ધરપકડ કરી હતી.
તેમજ બીજો દરોડો, અજીન યુસુફ ખીરા નામના શખ્સને દિપક બેલાની સાથે જ ગેરકાયદેસર રીફીલીંગ કરતો ઝડપી લઇ તેમની પાસેથી ગેસના ખાલી અને ભરેલા 6 બાટલાઓ તથા ઇલેકટ્રીક વજન કાંટો મળી કુલ રૂા.15,900 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એસઓજીની ટીમે આમ એક સ્થળેથી જ બે શખ્સોને કુલ રૂા.32600 ના ગેસના ખાલી અને ભરેલા બાટલાઓ તથા બે ઇલેકટ્રીક વજનકાંટા સાથે ઝડપી લઇ જુદા જુદા ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.