જામનગર તાલુકાના મોરકંડા ગામમાં ખેડૂત પાસેથી દાખલો કઢાવવા પેટે 150 રૂપિયાની લાંચ લેતા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરને એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જીલ્લા સહિત સમગ્ર રાજ્યમાં લાંચ લેતા કર્મચારીઓ અને અધિકારીઓ બેખોફ લાંચ લેતા અટકાતા હોતા નથી. પરંતુ એસીબીની ટીમ પણ આવા લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓને ઝડપી લેવા કડક કાર્યવાહી કરે છે. દરમિયાન જામનગર તાલુકાના મોરકંડા ગામમાં જાગૃત્ત ખેડૂત દ્વારા ખેતરના 7-12, 8-અ અને હકપત્રક 6 ના દાખલા કઢાવવા માટે ગ્રામ પંચાયતમાં ગયા હતાં તે દરમિયાન ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર નવીનચંદ્ર માધવજી નકુમ નામના કર્મચારીએ 1 કોપીના 5 રૂપિયાના બદલે 10 રૂિ5યા તથા ખેડૂતના 150 રૂપિયાને બદલે 300 રૂપિયાની માંગણી કરી હતી આ અંગેની જાણ લાંચ રૂશ્વત વિરોધી શાખામાં કરવામાં આવતા રાજકોટ એસીબી મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબી ઈન્ચાર્જ પીઆઈ એમ.ડી.પટેલ તથા સ્ટાફે આજે છટકુ ગોઠવી મોરકંડા ગ્રામ પંચાયતના બિલ્ડિંગમાં રૂા.150 ની લાંચ લેતા નવીનચંદ્ર નકુમને રંગે હાથ ઝડપી લઇ વધુ પૂછપરછ આરંભી હતી.