જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મેઘપર ગામ નજીકથી પૂરઝડપે પસાર થતા વાહને મહિલાને હડફેટે લઇ મોત નિપજાવ્યાના બનાવમાં પોલીસે કારચાલકની ધરપકડ કરી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર – ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર ગામ નજીક વૃધ્ધ મહિલા રસ્તો ક્રોસ કરતી હતી તે દરમિયાન પૂરપાટ આવી રહેલી અજાણી ઈકો કારના ચાલકે ઠોકર મારી હડફેટે લેતા વૃધ્ધાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ઈકો ચાલક પલાયન થઈ ગયો હતો. આ બનાવમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી આર બી દેવધાના માર્ગદર્શન હેઠળ સીપીઆઇ વી.એસ. પટેલના નેજા હેઠળ પીએસઆઇ બી. બી. કોડીયાતર, હેકો સુખદેવસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, જીગ્નેશ વાળા, પો.કો. જયદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે સીસીટીવી ફુટેજ અને જુદી જુદી ટીમ બનાવી તપાસ હાથ ધરતા જામખંભાળિયાના શકિતનગરમાં રહેતાં લક્ષ્મીદાસ કાનદાસ કાપડી નામના ચાલકની કાર હોવાનું ખુલતા પોલીસે જીજે-16-બીજી-9028 નંબરની ઈકો કાર સાથે લક્ષ્મીદાસ કાપડીની ધરપકડ કરી આગળની તપાસ આરંભી હતી.