સમગ્ર ગુજરાતમાં 7 મે સવારના સાત વાગ્યાથી મતદાન શરૂ થશે. ત્યારે લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી અનેક મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જામનગર જિલ્લાના લોકો પણ વધું વધુ મતદાન કરે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી. કે. પંડયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં લોકોને મતદાન અંગે જાગૃત કરવા તેમજ લોકો અવશ્ય મતદાન કરે તે માટે પ્રેરિત કરવાના આશયથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જામનગરના વિવિધ એસોસિએશન અને વેપારીઓ વિવિધ પહેલ કરી મતદાન જાગૃતિના જિલ્લા ચૂંટણી તંત્રના આ પ્રયાસમાં જોડાઈ રહ્યા છે. જિલ્લાની મહત્તમ હોટલ અને રેસ્ટોરેન્ટ દ્વારા જે લોકો મતદાન કરીને આગામી 7મી મે હોટલ કે રેસ્ટોરેન્ટમાં મુલાકાત લે તેમના માટે 10% ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. તેમજ લોકોને વોટ આપવા માટે હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ આસોશિયશન દ્વારા અપીલ કરવામાં આવી છે.
મતદાન કરવું એ આપણો મૂળભૂત અધિકાર છે જેથી આપણે સૌએ લોકશાહીને મજબૂત કરવા માટે આ મતદાનના અધિકારનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ અને અચૂકપણે મતદાન કરવું જોઈએ. ત્યારે જામનગરના વિવિધ રેસ્ટોરન્ટ અને હોટલો જેમાં આરામ, સેલિબ્રેશન, કલ્પના, બગીચા રેસ્ટોરન્ટ, આઇસી સ્પાઈસી, 90 ડીગ્રી, આશીર્વાદ ક્લબ રિસોર્ટ, કેશવારસ, ધ ફૂડ રિસોર્ટ, સેવન સિઝન, બેઠક, અનન્યા, બ્લેક પેપર, વિવિધ રેસ્ટોરન્ટ, થિઝમ કેફે દ્વારા મતદાન કર્યા બાદ જે લોકો આ હોટલ અને રેસ્ટોરન્ટની મુલાકાત લેશે તેઓને 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.