જામનગર શહેરમાં વિકટોરીયા પુલ પાસે આવેલી મોચી સમાજની બજરંગવાડીમાં ઝઘડો કરતા શખ્સોને સમજાવવા ગયેલા એકસ આર્મીમેન તથા તેના પરિવાર ઉપર છરી વડે ચાર શખ્સોએ હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ , જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર આવેલા સરલાબેન આવાસ બ્લોક નંબર એ/1 401 માં રહેતાં એકસઆર્મીમેન દિલીપભાઇ બાબુભાઈ ચાવડા (ઉ.વ.47) નામના યુવાન ગત તા.30 ના રોજ રાત્રિના સમયે વીકટોરીયા પુલ પાસે આવેલી મોચી સમાજની બજરંગ વાડી ખાતે હાજર હતાં તે દરમિયાન અશોક જેઠવા નામનો જ્ઞાતિજન કોઇ શખ્સ સાથે ઝઘડો કરતો હતો. જેથી દિલીપ ચાવડાએ ત્યાં જઇને આપણા સમાજના બધા જ્ઞાતિજનો ભેગા થયા છે તો ઝઘડો ન કરવા બાબતે સમજાવતા અશોક સહિતના શખ્સો ચાલ્યા ગયા હતાં. ત્યારબાદ અશોક જેઠવા અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી દિલીપને ગાળો કાઢી છરીનો ઘા ઝિંકવા જતાં દિલીપના પત્ની વચ્ચે પડતા તેને ઈજા પહોંચી હતી તેમજ દિલીપનો મોટો ભાઈ જગદીશ વચ્ચે પડતા તેના હાથ ઉપર પણ ઈજા પહોંચાડી હતી તથા હેમંતભાઈ અને જગદીશભાઈને નીચે પછાડી દઇ ઢીકાપાટુનો માર માર્યો હતો.
હુમલાખોરોએ
દિલીપના ભત્રીજા રાહુલ અને રોહિતને પણ છરીના ઘા ઝીંકયા હતાં જેમાં ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં રાહુલને ગંભીર ઈજા પહોંચતા જામનગરની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ચાર શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા એકસઆર્મી મેન તથા તેના બે મોટાભાઇઓ તથા બે ભત્રીજાઓ સહિતના પાંચ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતા જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ આર પી અસારી તથા સ્ટાફે દિલીપ ચાવડાના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.