ખંભાળિયા હોમગાર્ડમાં ફરજ બજાવતા એક વિપ્ર યુવાનને ફરજ પર જતા પૂર્વે મંદિર નજીક હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવની વિગત મુજબ ખંભાળિયામાં રાવલ પાડો વિસ્તારમાં રહેતા હેમલભાઈ બલવંતરાય દવે (ઉ.વ.42) નામના હોમગાર્ડમાં ફરજ બજાવી રહ્યા હતા. તેઓ અત્રે મેઈન બજારમાં આવેલા હરસિધ્ધિ માતાજીના મંદિર ખાતે સવારના સમયે ફરજમાં જતા પૂર્વે દર્શન કરવા ગયા હતા. ત્યારે એકાએક તેમને હૃદય રોગનો હુમલો આવતા આ હાર્ટ એટેક તેમના માટે જીવલેણ સાબિત થયો હતો.
તેમને મૂર્છિત હાલતમાં અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવના અનુસંધાને અહીંના જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સંદીપભાઈ ખેતિયા તેમજ અન્ય હોમગાર્ડના જવાનો પણ હોસ્પિટલે દોડી ગયા હતા. આ બનાવની જાણ આશિષભાઈ બલવંતરાય દવે એ અહીંની પોલીસને કરી છે. વિપ્ર યુવાનના અકાળે થયેલા અવસાનથી બ્રહ્મ સમાજ સાથે હોમગાર્ડ વર્તુળોમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરી જવા પામી છે.