દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તથા કલ્યાણપુર પોલીસ મથકમાં વર્ષ 2018 તથા 2023 દરમિયાન વિદેશી દારૂની હેરાફેરી તથા સપ્લાયના ગુનામાં રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લાના સરાળા તાલુકાના રહીશ એવા ઈશ્વરસિંહ પદમસિંહ દૌલતસિંહ સિસોદિયા નામના 40 વર્ષના શખ્સ સામે ગુનાઓ નોંધાયા હતા. પરંતુ તે પોલીસને હાથ લાગ્યો ન હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલ.સી.બી. વિભાગના પી.આઈ. કે.કે. ગોહિલ તથા તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત એલ.સી.બી.ના એ.એસ.આઈ. મશરીભાઈ ભારવાડીયા, ભરતભાઈ ચાવડા તથા પરેશભાઈ સાંજવાને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આરોપી ઈશ્વર સિસોદિયાને પોલીસે ઝડપી લઇ અને આગળની કાર્યવાહી અર્થે તેનો કબજો ભાણવડ પોલીસને સોંપ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એ.એલ. બારસિયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.