જામનગર સિટી બી પોલીસે બે કાયદાથી સંઘર્ષિત કિશોરોને બે ચોરાઉ મોટરસાઈકલ સાથે ઝડપી લઇ કુલ રૂા.40000 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ સામે આવેલ એમ.પી. શાહ કોમર્સ કોલેજની સામે દિવાલ પાસે પાર્ક કરેલ જીજે-10-એબી-5599 નંબરનું મોટરસાઈકલ ચોરી થયા અંગેની સિટી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે સિટી બી પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન બે શખ્સો વિકટોરીયા પુલ નીચે નદીના પટમાં એક બંધ હાલતમાં મોટરસાઈકલને બીજા ચાલુ હાલતના મોટરસાઈકલ વડે ધકો મારી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જઈ રહ્યા હોવાની સિટી બી ના એએસઆઈ રઘુવીરસિંહ પરમાર, હેકો ક્રિપાલસિંહ સોઢા તથા પો.કો. જયદીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલાની સૂચના અને પીઆઈ પી પી ઝા ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.ડી. જાડેજા સહિતના સ્ટાફ દ્વારા બાતમીવાળા સ્થળેથી બંને શખ્સોને કોર્ડન કરી પૂછપરછ કરતા બંને કાયદાથી સંઘર્ષિત કિશોરો હોય તેમજ તેમની પાસે રહેલ બે મોટરસાઈકલ પૈકી એક મોટરસાઈકલની નંબર પ્લેટ ન હોય. જેમાં ચેસીસ નંબર અને એન્જીન નંબરના આધારે પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા રજીસ્ટે્રશન નંબર જીજે-10-એબી-5599 હોવાનું જાણવા મળતા આ અંગે વધુ પૂછપરછ કરતા બંને કાયદાથી સંઘર્ષિત કિશોરોએ ચાર દિવસ પૂર્વે એમ.પી. શાહ કોલેજની સામેથી ચોરી કરી હોવાની જણાવતા રૂા.20 હજારની કિંમતનું મોટરસાઈકલ કબ્જે કર્યુ હતું.
તેમજ બંને શખ્સો પાસે રહેલ બીજું મોટરસાઈકલમાં પણ નંબર પ્લેટ ન હોય જેના પણ ચેસીસ નંબર અને એન્જીન નંબરને આધારે પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનમાં સર્ચ કરતા રજીસ્ટે્રશન નંબર જીજે-03-ડીઆર-8551 હોવાનું જાણવા મળતા આ અંગે પુછપરછ કરતા કાયદાથી સંઘર્ષિત કિશોરોએ બે મહિના પૂર્વે રાજકોટથી ચોરી કરી હોવાનું જણાવતા રૂા.20 હજારનું મોટરસાઈકલ સહિત કુલ રૂા.40 હજારની કિંમતના બે મોટરસાઈકલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.