દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. 7 મી મે એ રાજ્યભરમાં યોજાનારી લોકસભા ચૂંટણીના મહાપર્વમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના અવસરમાં સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ખંભાળિયાની શૈક્ષણિક સંસ્થા એસ.એન.ડી.ટી. સ્કૂલની વિદ્યાર્થીનીઓએ પણ સંસ્કૃત શિક્ષકના પ્રોત્સાહન થકી સંસ્કૃતમાં મતદાન કરવા માટેની અપીલના સંદેશા રજૂ કરી મતદાન જાગૃતિ અંગેની અનોખી પહેલ કરી હતી.
એસ.એન.ડી.ટી. સ્કૂલની વિદ્યાર્થીની ઈશા શુક્લ, જાહલ મસુરા તથા પુરીબેન સુમણિયાએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, સર્વે મતદાનમ્ અવશ્ય કુવન્તુ, એક મત રાષ્ટ્રસ્ય નિર્માણાય, અર્થાત તમામ નાગરિકો અવશ્ય મતદાન કરી લોકશાહીના મહાપર્વ જોડાય તેમજ તમારા એક મત થકી રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા સર્વે નાગરિકોને અપીલ કરૂં છું. સર્વે મતદાતાઓને અવશ્ય મતદાન કરવાની પ્રાર્થના કરતા ઈશા શુક્લએ જણાવ્યું કે આપણો એક મત રાષ્ટ્રની રક્ષા માટે, રાષ્ટ્રના નિર્માણ માટે અને રાષ્ટ્રના વિકાસ માટે ખૂબ જ મહત્વનો છે. આથી દરેક મતદારે અવશ્ય મતદાન કરવું.