લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત જામનગર જિલ્લામાં મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો મતદાન કરી ચૂંટણીના મહાપર્વમાં સહભાગી થાય તે પ્રકારે મતદાન જાગૃતિ લાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બી. કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા કામગીરી કરાઇ રહી છે.
ત્યારે જામનગરની ડિ.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની વિદ્યાર્થિની ફિઝા માડકીયાને 18 વર્ષ પૂર્ણ થતાં પ્રથમ વખત મતદાન કરી રહી છે. તેણી જણાવે છે કે હું પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરી રહી હોવાથી ઉત્સુક છું. મારા દેશ માટે હું મત આપવા જઇ રહી છું. તેમજ યુવાઓ અને મહિલાઓને પણ પોતાનો મત અવશ્ય આપવા માટે વિનંતી કરું છું. મારો મત મારો અધિકાર.
અન્ય વિદ્યાર્થીની નિરાલી જોશી જણાવે છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં હું પ્રથમ વખત મારો મત આપવા જઇ રહી છું. ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. મારા પરિવાર સાથે હું મત આપીશ અને અન્ય લોકોને પણ અપીલ કરું છું કે તમે પણ તમારા મતનો યોગ્ય રીતે ઉપયોગ કરો.