ખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સ્કૂલની પાછળના ભાગે રહેતા ગઢવી ખીમાભાઈ ઉર્ફે ભોલાભાઈ જેસાભાઈ રૂડાચ નામના 48 વર્ષના યુવાનની પુત્રીના લગ્ન થોડો સમય પૂર્વે હાલ સુરતમાં રહેતા અને મૂળ ખંભાળિયાના ધરમપુર વિસ્તારના રહીશ લખુભાઈ ભીમાભાઈ ભાન (ઉ.વ. 56) ના પુત્ર કરણ સાથે થયા હતા. લગ્ન બાદ ફરિયાદી ખીમાભાઈની પુત્રી કેનેડા માટે ભણવા માટે ગઈ હતી. જેના માટે લખુભાઈ ભાનએ એજ્યુકેશન લોન કરાવી હતી. આ લોનમાં ગેરંટર તરીકે ફરિયાદી ખીમાભાઈ રૂડાચ તથા તેમના જમાઈ હતા.
આ એજ્યુકેશન લોનના પૈસા બાબતે આરોપી લખુભાઈએ અવારનવાર ફરિયાદી ખીમાભાઈ લોનના પૈસા ખાઈ ગયેલ છે તેવી વાતો કરી હતી. જેથી ખીમાભાઈએ તેમના જમાઈ કરણ ક્યાં છે? તેમ પૂછતા આરોપી લખુભાઈ ગઢવીએ ઉશ્કેરાઈને તેમને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ
પ્રકરણ અંગે પોલીસે આઈપીસી કલમ 504 તથા 506 (2) મુજબ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત સામા પક્ષે ગઢવી લખુભાઈ ભીમાભાઈ ભાન (ઉ.વ. 56, મૂળ રહે. ધરમપુર – ખંભાળિયા, હાલ સુરત) એ શ્રીનાથજી સ્કૂલ પાછળ રહેતા ખીમાભાઈ ઉર્ફે ભોલાભાઈ જેસાભાઈ રૂડાચ અને ભાડથર ગામે રહેતા મેઘા જેસાભાઈ રૂડાચ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદી લખુભાઈએ પોતાની પુત્રવધુ એવી આરોપીની ખીમાભાઈની પુત્રી નંદિનીને કેનેડા ખાતે ભણવા મોકલી હોય, જેથી આરોપીએ ફરિયાદી લખુભાઈને કહેલ કે આપણી વચ્ચે દીકરા-દીકરીના થયેલા સંબંધ પુરા કરી નાખવા છે. તેમ કહેતા લખુભાઈએ ના પાડતા થયેલી બોલાચાલી બાદ આરોપીઓએ તેમને બિભત્સ ગાળો કાઢી, જાનથી નાખવાની ધમકી આપી હતી.
આ પ્રકરણમાં ખંભાળિયા પોલીસે બંને ભાઈઓ સામે આઈ.પી.સી. કલમ 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ આર.જે. હુણ દ્વારા હાથ ધરવામાં આવી છે.