જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર રોડ નજીક આવેલી હોટલ પાસેથી એસઓજીની ટીમ મળેલી બાતમીના આધારે જામનગરના બે શખ્સોને બે કિલો ગાંજાના જથ્થા સાથે દબોચી લઇ પૂછપરછ હાથ ધરતાં જામનગર અને નડિયાદના શખ્સોની સંડોવણી ખુલી હતી.
દરોડાની વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી છેલ્લા ઘણા સમયથી નશિલા પદાર્થની હેરાફેરી કરાતાં સ્થળે પોલીસ દ્વારા રેઇડ દરમિયાન કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે, આ નશિલા પદાર્થની હેરાફેરીનું પ્રમાણ ઘણું વધેલું જોવા મળી રહ્યું છે અને આ નશિલા પદાર્થની હેરાફેરી માટે હાલારના દરિયા કિનારાનો ઉપયોગ થતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. દરમિયાન એસઓજીના હિતેશ ચાવડા, રમેશ ચાવડા, તૌસિફ તાયાણીને મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ બી.એન. ચૌધરી અને પીએસઆઇ એલ.એમ. ઝેર તથા સ્ટાફે વોચ ગોઠવી હતી અને ત્યારે રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક આવેલી જય વાડીનાર હોટલ પાસેથી એસઓજીની ટીમે બાતમી મુજબના બે શખ્સોને આંતરીને તલાસી લેતાં તેમની પાસેથી રૂા. 20 હજારની કિંમતનો બે કિલો ગાંજાનો જથ્થો અને રૂા. 10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન તથા 700ની રોકડ મળી આવી હતી.
એસઓજીએ ઝડપાયેલા શાહનવાઝ ઇબ્રાહીમ શાહમદાર (રે. ધ્રોલ) અને ઝાવીદ હાજી ચાવડા (રે. જામનગર) નામના બંને શખ્સોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં આ બંને શખ્સોએ નડિયાદના રફીક નામના શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો ખરીદ કર્યો હતો અને આ જથ્થો ધ્રોલમાં સહયોગ હાઇસ્કૂલ પાસે રહેતા શોએબ મેમણ અને જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા રબાની પાર્કમાં રહેતાં સાદીક યાસીન ગજીયા નામના બંને શખ્સોએ મંગાવ્યો હોવાની કેફીયત આપી હતી. જેના આધારે એસઓજીની ટીમે બે શખ્સોની ધરપકડ કરી ગાંજો મોકલનાર રફીક અને મંગાવના શોહેબ મેમણ તથા સાજીક યાસીન ગજીયા નામના પાંચ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી ત્રણ શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.