દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર બરડીયા માર્ગ પાસે આવેલી જાણીતી હોટલ જિંજરની લિફ્ટમાં યાંત્રિક ખામી સર્જાતા અચાનક આ લિફ્ટ બંધ થઈ ગઈ હતી. લિફ્ટ બંધ થતા લિફ્ટ અંદર રહેલા યાત્રિકો ફસાયા હતા. અંદર રહેલા ચાર લોકોનો જીવ જાણે પડીકે બંધાયો હતો.
હોટલ મેનેજમેન્ટ દ્વારા ખૂબ જહેમત બાદ પણ લિફ્ટ ચાલુ ન થતા અંદર રહેલા લોકો મૂંઝાઈ રહ્યા હતા. જેના કારણે લિફ્ટની અંદર રહેલા ચારેય મહિલાઓ ગભરાઇ હતી. આ બાબતે દ્વારકા નગરપાલિકા ફાયર ફાઈટર વિભાગને જાણ કરાતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ પરિસ્થિતિ અંગે નિરીક્ષણ કરી, લિફ્ટને યોગ્ય દિશામાં હટાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ પણ ટેકનીકલ કારણોસર લિફ્ટ ટસની મસ થઈ ન હતી. જેથી ફાયર ફાઈટર વિભાગે લિફ્ટના ટોપ ફ્લોર ઉપર જઈ અને લિફ્ટને બાંધીને ચેનકપાની મદદથી યોગ્ય દિશામાં ખસેડી હતી.
આશરે ત્રણ કલાકની લાંબી જહેમત બાદ અંદર ફસાયેલી ચાર મહિલાઓને બહાર કાઢવામાં ફાયર વિભાગને પરસેવો છૂટી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકા ફાયર ફાઈટર વિભાગ દ્વારા જિલ્લાભરમાં ગમે તે ઘડીએ અકસ્માત જેવી વિપત્તિમાં પ્રસંશારૂપ કાર્ય કરવામાં આવે છે. તે જ રીતે ફરી એક વખત દ્વારકા ફાયર વિભાગના ફાયર સ્ટાફ જીતેન્દ્ર કારડીયા, ભારાભા તેમજ પ્રમોદસિંહની લાંબી જહેમત બાદ લિફ્ટમાં ફસાઈને હતપ્રભ બનેલી આ મહિલાઓને સફળતાપૂર્વક બચાવી લેવાતા તેઓએ ફાયર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.