હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ, ખંભાળિયા સહિતના વિસ્તારોમાં ગ્રામ્ય પંથકોમાં ગઇકાલે રવિવારે હવામાનમાં પલ્ટા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને પરિણામે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતાં. કેટલાંક સ્થળોએ ભારે પવન ફુંકાયો હતો. કમોસમી વરસાદને પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
ભાણવડ વિસ્તારમાં ભરઉનાળે વરસાદી માહોલ જામ્યો હતો. તાલુકાના ગુંદા, મોરપર, રોજીવાડા સહિતમાં થયેલા વરસાદથી ખાસ કરી કેરી પાકને નુકસાન પહોંચ્યું હતું. તેમજ મોરઝર ગામે ભારે પવનથી દિવાલ ધસી પડી હતી. તો ભાણવડમાં બકાલાની લારીના છાપરા ઉડી પડયા હતાં. આ વિસ્તારમાં ઉનાળાના પ્રારંભે આકરો તાપ પડવાને બદલે આકાશમાં એકાએક ઘટાટોપ વાદળાઓ બંધાયા હતાં. બપોરના સમયે છાબડીયા વાતાવરણ સાથે શરુઆતમાં પવનની ડમરીઓ તેમજ ગાજવીજમાં પવનની ડમરીઓ તેમજ ગાજવીજ સાથે મોરઝર, ગુંદા, ચોખંડા, રોજીવાડામાં વરસાદ પડયો હતો. જાણે અષાઢી માહોલ સર્જાયો હોય તેમ અડધાથી માંડી એક ઇંચ જેટલું પાણી પડતાં ગ્રામ્ય બજારો પાણી-પાણી બની હતી. ખાસ કરીને કમોસમી વરસાદથી કેરી પાકને નુકસાન થયું હોવાનું કિસાનો જણાવી રહ્યાં છે. જો કે, સ્થાનિક ભાણવડમાં વરસાદ પડયો નથી. પરંતુ ગાજવીજ અને ભારે પવનથી શાકભાજીની લારીઓના છાપરા ઉડયા હતાં. તો મોરઝર ગામે પટેલ રમેશ મોહનભાઇ ભાલોડીયા તેમજ ગિરીશ રવજી ચનિયારાની દિવાલો ધસી પડતાં સરકારી તંત્ર સર્વે કરી સહાય આપે તેવી માગ કરી હતી.
ખંભાળિયા તાલુકાના ભાણવડ માર્ગ પર આવેલા મોટી ખોખરી, ભાણખોખરી સહિતના ગામોમાં રવિવારે બપોરે કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા. આ પછી આશરે ત્રણેક વાગ્યે ભાણવડ તાલુકામાં પણ વાતાવરણ પલટાયું હતું. તેઝ ફૂંકાતા પવનો સાથે ભાણવડ તાલુકાના ગુંદા ગામે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ગુંદા ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદના કારણે થોડો સમય ભયનો માહોલ પ્રસરી ગયો હતો. કેટલાક વાડી વિસ્તારમાં કરા પણ વરસ્યા હતા. જો કે કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.