લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતાં શખ્સના મકાનમાંથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.15000 ની કિંમતની 30 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે શખ્સને ઝડપી લઇ તપાસ આરંભી હતી. જામનગર શહેરના ગોકુલનગર જકાતનાકા પાસેથી પસાર થતા બે શખ્સોને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે 16 બોટલ દારૂ સાથે ઝડપી લીધા હતાં. કાલાવડના શીશાંગ ગામના બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે દારૂની બે બોટલ સાથે શખ્સને દબોચી લીધો હતો.
દારૂ અંગેના દરોડામાં પ્રથમ દરોડો, લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતા શખ્સના મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફે રેઈડ દરમિયાન ભાવેશ જેઠા પરમારના મકાનમાંથી તલાસી લેતા તેમાંથી રૂા.15000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 30 બોટલ મળી આવતા પોલીસે ભાવેશની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો ભાણવડ તાલુકાના રાણપર ગામના ભીખા લાખા મોરી પાસેથી ખરીદ્યાની કેફિયતના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના ગોકુલનગર જકાતનાકા પાસેથી પસાર થતા પાલા આલા ચાવડા અને રામશી વેજાણંદ કરમુર નામના બે શખ્સોને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.8000 ની કિંમતની દારૂની 16 બોટલ મળી આવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. ત્રીજો દરોડો, કાલાવડ તાલુકાના શીશાંગ ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા મહેશ ગોવિંદ દાફડા નામના શખ્સને કાલાવડ પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની બે બોટલ મળી આવતા પોલીસે ધરપકડ કરી હતી.