જામનગર શહેરના મેહુલનગર વિસ્તારમાં આવેલા જ્વેલર્સના શોરૂમમાં નોકરી કરતા કર્મચારીએ છ મહિનાના સમય દરમિયાન શોરૂમમાંથી જુદા-જુદા સમયે સમયાંતરે રૂા.4,29,850 ની કિંમતના દાગીના ચોરી કરી ગયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી કર્મચારીને દબોચી લીધો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના મહાવીર પાર્ક સોસાયટીમાં મેહુલનગર ટેલીફોન એકસચેંજ પાસે રહેતાં ભવ્યભાઈ રસિકભાઈ પાલા નામના યુવાનનો મેહુલનગર વિસ્તારમાં આશિર્વાદ જ્વેલર્સ નામનો શો-રૂમ આવેલો છે. આ જ્વેલર્સના શો-રૂમમાં ગત તા. 8-11-2023 થી લઇને 8-4-2024 સુધીના સમય દરમિયાન 6 માસમાં શો-રૂમના કર્મચારી પ્રતિક અશોક કુબાવત (રહે. સિધ્ધનાથ સોસાયટી, આરાધના એપાર્ટમેન્ટ, બ્લોક નં.101) નામના કર્મચારી એ જ્વેલર્સમાંથી જુદાં-જુદાં સમયે રૂા.1,31,500 ની કિંમતનો 19 ગ્રામ 930 મીલી વજનનો સોનાનો ચેઈન અને 1,13,650 ની કિંમતના 17 ગ્રામ 220 મીલી વજનના સોનાના બે ચેઈન તથા રૂા.96,600 ની કિંમતના બે જોડી 14 ગ્રામ 640 મીલી વજનના સોનાના બે પેંડલ અને રૂા.98100 ની કિંમતના 14 ગ્રામ 870 મીલીગ્રામ વજનની ત્રણ જોડી સોનાની બુટી સહિતનો રૂા.4,29,850ની કિંમતના દાગીના ચોરી કરી ગયો હતો.
આ ચોરીના બનાવની જાણ જ્વેલર્સના માલિક ભવ્યભાઈ દ્વારા કરવામાં આવતા પીએસઆઈ એમ.વી. દવે તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ તપાસ આરંભી ચોરીનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ પોલીસે તપાસના અંતે પ્રતિક કુબાવત નામના શખ્સને દબોચી લઇ તેની પાસેથી ચોરાઉ દાગીના કબ્જે કરવા તજવીજ હાથ ધરી હતી.