જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ ગામ નજીક આવેલી હોટલના પાર્કિંગમાં ગેસ ટેન્કરમાંથી ખાલી બાટલાઓમાં ગેસ રીફીલીંગક રી ગેરકાયદેસર વેંચાણ કરાતા સ્થળે ધ્રોલ પોલીસે રેઈડ દરમિયાન ત્રણ શખ્સોને 32.29 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ પૂછપરછ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામ નજીક રાજકોટ ધોરીમાર્ગ પર આવેલી શિવમ હોટલના પાર્કિંગમાં ગેરકાયદેસર ગેસ રીફીલીંગનું કૌભાંડ આચરતા હોવાની હેકો રાજેશભાઈ મકવાણાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી આર.બી. દેવધા અને સીપીઆઈ એ.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.જી.પનારા, હેકો રાજેશભાઈ મકવાણા, એચ.બી. સોઢીયા, પો.કો. રઘુવીરસિંહ જાડેજા, કિશોર ડાભી, નાગજીભાઈ ગમારા, જતિન ગોગરા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન ગેસ ભરેલા ટેન્કરના વાલ્વ બોકસનું સીલ તોડીને રબરના પાઈપ દ્વારા ખાલી બાટલાઓમાં ગેસ રીફીલીંગ કરવાનું કૌભાંડ આચરતા હતાં. તે દરમિયાન પોલીસે દેવરામ દોલાભાઈ ચૌધરી, મહમદ નસીમ મહમદ સમી, મહમદ સલીમ મહમદ હફિઝ સહિતના ત્રણ શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.10 હજારની કિંમતના ગેસના ભરેલા તથા ખાલી નવ બાટલા તેમજ રૂા.32,04,966 ની કિંમતનું ગેસ ભરેલું ટેન્કર અને રૂા.12,000 ની કિંમતના બે નંગ મોબાઇલ, તથા ત્રણ હજારની કિંમતનો અન્ય સામાન મળી કુલ રૂા. 32,29,966 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.