દેવભૂમિ દ્વારકા ખાતે ફુલડોલ ઉત્સવમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ત્યારે અખાદ્ય ચીજ વસ્તુઓને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ના થાય તે માટે ફૂડ વિભાગ કાર્યરત છે. દ્વારકાના પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર તંત્ર, ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર અને નગરપાલિકા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
જેમાં ફૂડ સેફ્ટી ઓફિસર એસ.પી. સોલંકી, એન.એમ. પરમાર, નાયબ મામલતદાર નીતિનભાઈ ધોળકિયા, પુરવઠા નાયબ મામલતદાર ભાવનાબેન પાંડુર તેમજ દ્વારકા નગરપાલિકા સુપરવાઈઝર સંદીપભાઈ વાઘેલા દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી એક્ટ અન્વયે કુલ 14 જેટલી ચીજ વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત હોટેલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીની દુકાનોમાં સ્વચ્છતા રાખવા સૂચના આપવામાં આવી હતી.