જામજોધપુર લાલપુરના યુવા ધારાસભ્ય હેમંતભાઇ ખવાએ પોતાના મત વિસ્તારમાં 45 કરોડના રોડ રસ્તાઓ મંજુર કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યકત કર્યો હતો.
હાલમાં જ જામજોધપુર-લાલપુર તાલુકાના 45.30 કરોડના કુલ 24 રસ્તાઓ મંજુર કરવામાં આવ્યા છે. જે બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો. જામજોધપુર-લાલપુર વિસ્તારના ઇતિહાસમાં પ્રથમ વખત 45.30 કરોડના રોડ રસ્તાઓ એકી સાથે મંજુર થયા છે. ભૂતકાળમાં જામજોધપુર-લાલપુર તાલુકામાં રોડ-રસ્તાઓ બાબતે ખુબજ અન્યાય થતો આવ્યો છે જેના લીધે જામજોધપુર લાલપુર મત વિસ્તારના મોટાભાગના રોડ-રસ્તાઓ ઘણા સમયથી રી-સરફેસ કરવામાં આવ્યા નથી. આથી આ રસ્તાઓ ખૂબજ બિસ્માર હાલતમાં છે જેના માટે અમો દ્વારા 69.80 કરોડના 134 કિમી લંબાઇના કુલ35 રસ્તાઓ મંજુર કરવામાં આવ્યા છે. જે બદલ વિસ્તારના પ્રતિનિધિ હોવાના નાતે વિસ્તારના લોકો વતી હેમતભાઇ ખવાએ મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.
પરંતુ હજુ મત વિસ્તારના 11 રસ્તાઓ સાત વર્ષ કરતા વધારે સમયથી રી સરફેસ કરવામાં આવ્યા નથી. તો આવા રસ્તાઓ વહેલામાં વહેલી તકે મંજુર થાય એવી અપેક્ષા વ્યકત કરી હતી. તેમજ લાલપુર તાલુકાના કુલ 4 (ચાર) રસ્તાઓના કામ કોઇ એક એજન્સીને મળી ગયા હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી કામ ચાલુ કરવામાં ના આવતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક વર્ષ પહેલાં જે-તે એજન્સીને મુકત કરી ફરીથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરતાં એક વર્ષમાં 9 (નવ) વખત ટેન્ડર કરવા છતાં કોઇ એજન્સીએ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધેલ નથી. આ 4 (ચાર) રસ્તાની યાદી આ મુજબ છે. (1) મોટા ખડબા-વલ્લભપુર-નવી વેરાવળ ટુ જોઇન ઓડીઆર (ર) કાનવિરડી-મોટી રાફુદળ-ડબાસંગ રોડ, (3) મેમાણા-વડ પાંચસરા રોડ (4) બાબરિયા-ચોરબેડી રોડ.
આ રસ્તાઓના ભાવ 4 વર્ષ પહેલાંના હોય, રસ્તાની ડીઝાઇન પર ચાર વર્ષ જૂની હોય જેના લીધે કોઇપણ એજન્સી આવતા કામો કરવા ઇચ્છતી ના હોય, આથી આવા રસ્તાની ડીઝાઇનમાં સુધારો કરી નવા મંજુર થયેલ ભાવો મુજબ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે એવી ખાસ ભલામણ કરી હતી. આમ કુલ મળીને 15 (પંદર) રસ્તાઓ વહેલી તકે મંજુર કરી જે-તે વિસ્તારના લોકોની સુખાકારીમાં વધારો કરી શકાય તે માટે મુખ્યમંત્રીને ખાસ ભલામણ કરી વિનંતી કરી હતી.