ગુજરાતના સરહદી પ્રવાસને ઉત્તેજન આપતા અને વૈશ્વિક ઓળખ સમાન ધોરડોની ઝાંખી દિલ્હીમાં રજૂ થવાની છે. આ સ્થાનના ભૂંગા તરીકે ઓળખાતા ઘર, સ્થાનિક હસ્તકલા અને રોગાન કલા ઉપરાંત રણોત્સવ અને ટેન્ટ સિટીનો ટેબ્લો પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીએ મોકલવામાં આવશે, જે કર્તવ્યપથ પર આયોજિત રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શિત થશે. ’યુનેસ્કો’એ ગુજરાતના જે ગરબાને ’અમૂર્ત સાંસ્કૃતિક વારસા’માં સામેલ કર્યા છે તેનો પણ ટેબ્લોમાં સમાવેશ કરાયો છે. ધોરડોને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનના બેસ્ટ ટુરિઝમ વિલેઝની યાદીમાં સમાવવામાં આવ્યું છે. આ સરહદી ગામ તેની ખમીરાઈ અને ’વિકસિત ભારત’ની પરિકલ્પનાને મૂર્તિમંત કરવાની સાથે રાજ્ય અને દેશના સરહદી પ્રવાસનને ઉતેજન આપે છે.