કાલાવડ તાલુકાના નાગપુર ગામમાંથી ખંઢેરા તરફ જવાના માર્ગ પરથી પસાર થતા બાઇકસવારે ગોલાઈમાં કાબુ ગુમાવતા લોખંડના પીલોર સાથે અથડાતા અકસ્માતમાં યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના કતરા તાલુકાના પતારી ગામનો વતની અને હાલ કાલાવડ તાલુકાના ગોલણિયા ગામ વિસ્તારમાં રહેતો તથા માછીમારી કરતો દેવેન્દ્રભાઇ વશિષ્ઠભાઈ સહની (ઉ.વ.40) નામનો યુવાન બે દિવસ પહેલાં બુધવારે બપોરના સમયે તેના જીજે-03-એલએલ-6087 નંબરની બાઈક પર કાલાવડ તાલુકાના નાગપુરથી ભરતપુર ઉંડ ડેમ ખાતે જતો હતો તે દરમિયાન ખંઢેરા ગામ નજીક આવેલી ગોલાઈમાં બાઈક પરનો કાબુ ગુમાવી દેતા લોખંડના ગેઈટના પીલોર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માતમાં યુવાનને માથામાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગુરૂવારે સાંજે તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મુકેશભાઈ માજી દ્વારા જાણ કરાતા હેકો વી.જે. જાદવ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.