આગામી લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં મહત્તમ મતદાન થાય તે માટે નાગરિકોમાં જાગૃતિ કેળવવા મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી દ્વારા ફ્લેગ ઑફ કરી EVMના લાઈવ ડૅમોન્સ્ટ્રેશન અને ઑડિયો-વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ LED વાનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. રાજ્યભરમાં 40 જેટલી જાગૃતિ વાન દ્વારા નિશ્ચિત રૂટ પર EVMના લાઈવ ડૅમોન્સ્ટ્રેશનની સાથે સાથે મતદારોને પોતાના મતાધિકારના ઉપયોગ અંગે પ્રેરિત કરશે.
મતદારો મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન મતદાર નોંધણીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને શહેરી મતદારો, મહિલા મતદારો અને યુવા મતદારોમાં મતદાન પ્રત્યે ઉદાસીનતા દૂર કરવા માટે તથા મતદાન જાગૃતિ માટે SVEEP એક્ટિવિટી હાથ ધરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજ્યમાં 40 જેટલી મોબાઈલ વાન, મતદાન જાગૃતિ માટે મતદાન મથકોએ જઈને મતદાન જાગૃતિ માટે પ્રચાર પ્રસાર કરશે.
અત્રે નોંધનીય છે કે ગત લોકસભા ચૂંટણીમાં 50% થી ઓછું મતદાન ધરાવતા તથા જ્યાં પુરુષો અને મહિલાઓના મતદાનનો તફાવત 10% થી વધુ હોય તેવા મતદાન મથકોમાં મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધે અને સમગ્રતયા રાજ્યમાં મતદાનની ટકાવારી વધે તે માટે મતદાન જાગૃતિના ઑડિયો/વિડિયો તથા હોર્ડિંગ્સનું નિદર્શન આવી LED વાન પર કરવામાં આવનાર છે.
રાજ્યભરમાં ફાળવવામાં આવેલી કુલ 40 LED મોબાઈલ વાન દ્વારા વિવિધ જિલ્લાના દૂધ મંડળી અને ગામના ચોરા જેવા ગ્રામ્ય વિસ્તાર તથા કૉલેજ, યુનિવર્સિટી કેમ્પસ, GIDC વિસ્તાર અને બગીચા જેવા શહેરી વિસ્તારોમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.
આજે અંધજન મંડળ, અમદાવાદ ખાતે યોજાયેલા દિવ્યાંગો માટેની સુવિધાઓના વર્કશોપ બાદ રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી અશોક પટેલ તથા સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી પંકજ પંચાલ સહિતના અધિકારીઓએ EVM ડેમોસ્ટ્રેશન મતદાર જાગૃતિ વાનને પ્રસ્થાન કરાવ્યું હતું