જામનગર શહેરની સફાઇ અંગેની કથળતી સ્થિતિ અંગે તપાસ કરાવવા વોર્ડ નં. 12ના કોર્પોરેટર જેનબબેન ખફી દ્વારા ગુજરાત તકેદારી આયોગ-ગાંધીનગરને પત્ર લખી માગણી કરવામાં આવી છે.
જેમાં જણાવ્યું છે કે, જામનગર શહેરના વાર્ષિક બજેટમાં બે વર્ષ પહેલાં એટલે કે, 2020-21માં ક્ધઝર્વનસી એન્ડ સુએઝ ટેકસ બમણો કરવામાં આવ્યો હતો. આમ છતાં જામનગર શહેર સ્વચ્છ સર્વેક્ષણ 2022માં 54માં ક્રમે હતું. જે 2023માં 83માં ક્રમે ઢળી પડયું છે. બે વર્ષ પહેલા સફાઇ કર બમણો કરવામાં આવ્યો ત્યારે જામનગરની જનતાને એવું લાગતું હતું કે, જામનગર શહેરમાં ખૂબ સારી સફાઇ કામગીરી થશે પરંતુ આ બમણો વેરો મામકાઓના ફાયદા માટે વધાર્યો હોય એવું હોય તેમ સ્વચ્છતા સર્વેક્ષણના આકડાઓ પરથી ખુલ્લુ પડી ગયું છે. રાત્રી સફાઇના દેખાવો થાય છે. આથી જામનગર શહેરના લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇ શહેરમાં વારંવાર ઉભા થતાં કચરાના કૌભાંડોની તપાસ કરાવવામાં આવે અને જામનગર શહેરના અધિકારીઓ તથા પદાધિકારીઓ અને ઓછામાં ઓછા છેલ્લા ત્રણ વર્ષથી જે સફાઇ કોન્ટ્રાકટરોના કામ ચાલે છે. તેની વિજિલન્સ તપાસ કરાવવા માગણી કરાઇ છે.