કલ્યાણપુર તાલુકાના કેેનેડી ખાખરડા રોડ બિસ્માર હાલતમાં હોય આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ અંગે સાત દિવસની અંદર કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત ગામના લોકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારાઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ખાખરડાનો છ કિલોમીટરનો રોડ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવવામાં આવ્યો છે. વર્ષ 2018 માં આ રોડના રીપેરીંગનું કામ કરવામાં આવ્યું હતું. જે હલકી ગુણવતાનું હોય તે સમયે આ અંગે ગ્રામજનો તથા સ્થાનિકો દ્વારા અનેક વખત ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ, કોન્ટ્રાકટર વિરૂધ્ધ કોઇપણ પગલાં લેવામાં આવ્યા ન હતાં. જેના પરિણામે આ રોડની હાલત મગરપીઠ સમાન થઈ ગઇ છે. કલ્યાણપુર તાલુકાના સાત ગામને જોડતા આ રોડમાં ભાટીયા, કેનેડી, ખાખરડા, હનુમાન ગઢ, પટેલકા, ભોપાલકા તેમજ ગઢકાનો સમાવેશ થાય છે. આ રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. રોડની હાલત અતિ બિસ્માર હોય ગ્રામજનો તથા મુસાફરોને આ રોડ પરથી પસાર થવામાં ખુબ જ મુશ્કેલીઓનો સામાનો કરવો પડે છે.
રસ્તાની બંને બાજુ બાવળ ઉગી ગયા છે. જેથી રોડ પરથી પસાર થતા વાહનચાલકો અનેક વખત સામસામે અથડાતા અવાર-નવાર અકસ્માતો સર્જાય છે. રોડની સાઈડો પણ ભરતી ભરી સમતલ કરવાની જરૂરિયાત હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. આ અંગે જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ આંબલિયા દ્વારા પણ તંત્રને લેખિત રજૂઆતો કરી છે અને સામાન્ય સભામાં પણ આ રોડને રીપેર કરાવવા રજૂઆત કરી છે આમ છતાં હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી તંત્રને આ રોડ રીપેર કરવામાં રસ ન હોય તેવું પણ ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. આ અંગે અનેકવખત રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા સાત ગામના લોકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી. તેમજ સાત દિવસની અંદર કોઇ કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન અને કેનેડી ખાખરડા રોડ પર પડેલા મસમોટા ખાડાઓમાં વૃક્ષારોપણ કરી વિરોધ પ્રદર્શન કરવાની પણ ચિમકી ઉચ્ચારાઇ છે.