Friday, January 3, 2025
Homeરાજ્યદ્વારકા બન્યું કૃષ્ણમય : ગોકુળિયા દ્વારકામાં આહીરાણી  મહારાસ સર્જશે નવો વિશ્વ વિક્રમ

દ્વારકા બન્યું કૃષ્ણમય : ગોકુળિયા દ્વારકામાં આહીરાણી  મહારાસ સર્જશે નવો વિશ્વ વિક્રમ

શનિવારે વિવિધ ભવ્ય ઉજવણી કરાઈ: લાખોની સંખ્યામાં આહિરો, કૃષ્ણ ભક્તો ઉમટ્યા

- Advertisement -

કૃષ્ણનગરી દ્વારકામાં આશરે સાડા પાંચ હજાર વર્ષ પ્રાચીન કૃષ્ણકાળમાં રમાયેલા અલૌકિક રાસના ભવ્ય ભૂતકાળનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. આવતીકાલે વહેલી સવારે આશરે 37,000 જેટલા આહીર મહિલાઓ એક સાથે રાસ રમી અને વિશ્વ વિક્રમ સર્જશે ત્યારે આજથી સમગ્ર દ્વારકા વિસ્તાર અને સાજ-શણગારથી દીપી ઉઠ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આહીરાણી મહારાસના આ ઐતિહાસિક આયોજનમાં ફક્ત દેવભૂમિ દ્વારકા કે ગુજરાત જ નહીં, પરંતુ દુબઈ, અમેરિકા, સાઉથ આફ્રિકા, કેનેડા સહિતના વિદેશના આહીરાણીઓ પણ આ રાસોત્સવમાં સહભાગી બનશે. દ્વારકામાં રુક્ષ્મણી મંદિર નજીક તૈયાર કરવામાં આવેલા વિશાળ પટાંગણમાં આજરોજ સાંજે સન્માન સમારોહ, પૂજન-અર્ચન, સમૂહ પ્રસાદ તથા રાત્રે માયાભાઈ આહીર સહિતના કલાકારોના ભવ્ય લોક ડાયરા ઉપરાંત આહિર બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ સાથેના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

- Advertisement -

આવતીકાલે રવિવારે સવારે ચઢતા પહોરે આશરે પાંચેક વાગ્યે બ્રહ્મ મુહૂર્તમાં એક સાથે નોંધાયેલા 37,000 થી વધુ મહિલાઓ કૃષ્ણરાસ રજૂ કરશે. જેને લઈને સમગ્ર દ્વારકા વિસ્તાર તેમજ ખાસ કરીને જગત મંદિરને સુંદર અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું છે. હાલ દ્વારકા નગરી ખરા અર્થમાં સુવર્ણનગરી બની રહી હોય તેવા શણગારથી દીપી ઉઠી છે.

- Advertisement -

આ ભવ્ય આયોજનને વિશ્વ વિક્રમથી નવાજવામાં આવનાર છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે આહિર સમાજના શ્રેષ્ઠીઓ તેમજ આગેવાનો, કાર્યકરો દ્વારા ખભે-ખભા મિલાવીને જહેમત ઉઠાવવામાં આવી રહી છે. જે માટે સ્થાનિક તંત્ર દ્વારા પણ સહયોગ સાંપળ્યો છે. આ મહારાસ નિહાળવા માટે આવતા લોકો માટે પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અને સમગ્ર દ્વારકા નગરી હાલ ભાવિકો, યાત્રાળુઓ તેમજ પર્યટકોથી હાઉસફુલ બની ગઈ છે.

આજરોજ સાંજથી શરૂ થયેલા આહીરાણી મહારાસના કાર્યક્રમના પ્રારંભે આ સ્થળે બિઝનેસ એક્સપો અને હસ્તકલા ઉદ્યોગનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે સાથે અહીં જ્વેલર્સના સ્ટોલ, આયુર્વેદિક દવાની માહિતી આપતા સ્ટોલ વિગેરે પણ ઊભા કરવામાં આવ્યા છે. અહીં જુદા જુદા વિસ્તારોમાંથી હજારો લોકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત આજે સાંજે પાંચ લાખ જેટલા લોકો તીર્થનગરી દ્વારકામાં આવી ચૂક્યા છે.

- Advertisement -

આજરોજ સાંજે આહિર જ્ઞાતિના દાતાઓ, આગેવાનો, યુવાઓ, કાર્યકરોની ખાસ ઉપસ્થિતિમાં પૂજાવિધિનો પ્રારંભ થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખીને દ્વારકાપુરીમાં આહીરાણી મહારાસના કાર્યક્રમ ની શરૂઆત ભગવાન દ્વારકાધીશના જગત મંદિર પર ધ્વજા ચડાવીને કરવામાં આવી હતી.

આજરોજ સાંજે અહીં ચારથી પાંચ લાખ જેટલા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે માટે જુદા જુદા જિલ્લાઓમાંથી આશરે ત્રણથી સાડા ત્રણ હજાર જેટલા સ્વયં સેવકો ખડે પગે હાજર રહ્યા હતા.

જ્ઞાતિના એક સામાન્ય મહિલાના મનમાં ઉદ્ભવેલા આ સુંદર વિચારને જ્ઞાતિજનોએ આવકારી અને સાર્થક કરવા માટે આયોજન હાથ ધર્યું છે. જેમાં આવતીકાલે રવિવારે સવારે પાંચ વાગ્યાથી મહારાસના કાર્યક્રમની શરૂઆત થશે. આશરે 37 હજાર જેટલા નોંધાયેલા બહેનો સહિત આશરે 40 હજાર જેટલા આહિર જ્ઞાતિના મહિલાઓ આ મહારાસમાં કૃષ્ણ ભક્તિ કરશે. જેથી સમગ્ર વિશ્વમાં એક અનોખો વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત થશે.

આ તમામ આયોજન જાણે ઓટો મોડમાં ચાલી રહ્યું હોય તેમ સૌ આગેવાનો, કાર્યકરો પોત-પોતાની નૈતિક જવાબદારી સમજીને સ્વૈચ્છિક રીતે આ કાર્યક્રમમાં જહેમત ઉઠાવી રહ્યા છે. આયોજન સ્થળે જુદા જુદા 67 જેટલા રાઉન્ડમાં આહિર બહેનો રાસ રમશે.

આ સમગ્ર આયોજન ભગવાન શ્રી કૃષ્ણને કેન્દ્રમાં રાખીને દ્વારકાધીશના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું છે. જે માટે તમામ કાર્યકરો ભાવ સાથે કામ કરી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular